- 5-5 કલાક સુધી નાના બાળકો સાથે ભૂખ્યાં-તરસ્યાં ટ્રાફિકમાં ફસાયેલા ચાલકો ભારે પરેશાન
- રાતના ટ્રાફિકમાં ફસાયેલા છીએ, ટોલટેક્સ ભરીએ છીએ અને ખાડામાં ચાલીએ છીએ, બીજું કંઈ છે નહીં, જનતાને હેરાનગતિ છે, ટ્રાફિકમાંથી ચા પીવા પણ જઈ શકતા નથી : ટ્રકચાલક
મુંબઈ-અમદાવાદ હાઇવે પર આજે (25 ઓગસ્ટ) સતત ત્રીજા દિવસે ભયંકર ટ્રાફિકજામ થયો છે. મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વાહનચાલકો 5-5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતાં પરેશાન થઈ ગયા છે. જાંબુવાબ્રિજથી લઈને પુનિયાદ ગામ સુધી ટ્રાફિકજામ થતાં વાહનોના થપ્પા લાગ્યા હતા. જાંબુઆબ્રિજ પર મસમોટા ખાડા પડી જતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે, જોકે આ ખાડાઓને પૂરવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. વાહનચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સરકાર ટોલટેક્સ વસૂલ કરે છે, પણ સારા રસ્તા આપતી નથી. તમે ક્યાંય પણ જાઓ, આ સરકાર તમને લૂંટી લેવાની છે.


મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગઈકાલે પણ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો અને આજે પણ બીજા દિવસે 15 કિલોમીટર ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલા હોવાથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નાનાં-નાનાં બાળકો ભૂખ્યાં-તરસ્યાં ટ્રાફિકમાં ફસાયેલાં છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જાંબુવાબ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો, જોકે ફરી વરસાદ શરૂ થતાં મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે એક તરફ ટ્રાફિકજામ થયો છે. ઉપરાંત પોરબ્રિજ પર પણ ટ્રાફિકજામ છે.


મુંબઈથી નીકળેલા અનિલભાઈએ જણાવ્યું હતું કે, પરમ દિવસે રાત્રે મુંબઈથી નીકળ્યા હતા, હજી અમદાવાદ પણ પહોંચ્યા નથી. મગજ ખરાબ કરી નાખે એવો ટ્રાફિક છે. અત્યારે વડોદરા પહોંચ્યા છીએ. અમારે ઘરે જઈને ગણપતિની તૈયારી કરવાની છે, પરંતુ અમે ઘરે ક્યારે જઈશું એની ખબર નથી. અમારે મુંબઈથી અમદાવાદ કંપનીના સામાનની ડિલિવરી કરવાની છે, પરંતુ સામાન સમયસર પહોંચાડી શકીશું નહીં.


ટ્રકચાલક સોહેલભાઈએ જણાવ્યું હતું કે, સુરતથી રાત્રે 12 વાગે નીકળ્યો હતો, અત્યારે સવારે 8 વાગ્યે વડોદરા પહોંચ્યો છું. ટ્રાફિકમાં ખૂબ જ હેરાનગતિ થઈ છે. રાતના ટ્રાફિકમાં ફસાયેલા છીએ. ટોલટેક્સ ભરીએ છીએ અને ખાડામાં ચાલીએ છીએ, બીજું કંઈ છે નહીં. જનતાને હેરાનગતિ છે. આ ટ્રાફિકમાંથી ચા પીવા પણ જઈ શકતા નથી.
મૂળ રાજસ્થાનના રહેવાસી વિનોદ કુમારે જણાવ્યું હતું કે અમે મુંબઈથી નીકળ્યા છીએ અને દિલ્હી જવાનું છે. રાત્રે 11 વાગ્યાથી ટ્રાફિકમાં ફસાયા છીએ. અમે પરેશાન થઈ ગયા છીએ. સરકાર ટોલટેક્સ વસૂલ કરે છે, પરંતુ સારા રસ્તા આપતી નથી. તમે ક્યાંય પણ જાઓ, આ સરકાર તમને લૂંટી લેવાની છે. ટોલટેક્સ લો એનો વાંધો નથી, પરંતુ સારા રોડ તો બનાવો એવી અમારી માગણી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચોમાસાના સમયમાં ભારે ટ્રાફિકજામ થાય છે. સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી જતાં ટ્રાફિક ધીમો ચાલે છે અને ટ્રાફિકજામ સર્જાય છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ જાય છે. એને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે એ જોવું રહ્યું.



