- પાણીની શુદ્ધતા ચકાસવા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું
- શહેરીજનોને શુદ્ધ પાણી તો ઠીક પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પણ પાણી ન મળતાં પાણીની જરૂરિયાતને પૂરી પાડવા માટે જગ ઉપર આધાર રાખવો પડે છે
ઉનાળાની શરૂઆત થતાંની સાથે શહેરમાં ઋતુજન્ય રોગચાળાની શરૂઆત થઈ છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાની બૂમો ઉઠી રહી છે. કોર્પોરેશન દૂષિત પાણી લોકોને પીવડાવી રહી હોવાથી લોકોને આર.ઓ. પાણીના જગ મંગાવવાની ફરજ પડી રહી છે. ત્યારે કોર્પોરેશન પોતાનો દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવાને બદલે આરોગ્યની આડમાં આજે શહેરમાં આર.ઓ.ના પાણી વિક્રેતાના યુનિટો ઉપર સામુહિક દરોડા પાડતા ચકચાર મચી ગઈ હતી.
વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. શહેરના ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી લોકોને વેચાતું પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. સ્લમ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના પાણી પૂરવઠા વિભાગના ટેન્કરો દ્વારા પાણી પહોંચતું કરી પાણી પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે સોસાયટી વિસ્તારના લોકોને પ્રાઇવેટ ટેન્કરો મગાવીને અથવા ફાયરબ્રિગેડમાં ઓનલાઇન પાણીના ટેન્કરના નાણાં ભરીને પાણી મગાવવું પડે છે. જ્યારે કોમર્શિયલ ટેક્સ ભરવા છતાં, પાણીની સુવિધા ન મેળવનાર વેપારીઓને પોતાની દુકાનો, ઓફિસોમાં પાણીના જગ મગાવવા પડે છે. વડોદરામાં 2000 જેટલા આર.ઓ. પ્લાન્ટના યુનિટો આવેલા છે. આ તમામ આર.ઓ. પ્લાન્ટના યુનિટધારકોનો ઉનાળાની શરૂઆત થતા જ તેજી શરૂ થઇ ગઇ છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન 100થી 200 પાણીના જગ વેચનાર યુનિટધારકો પ્રતિદિન 350થી 400 પાણીના જગ-કેપ્શુલ વેચી રહ્યા છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનો પાસેથી પૂરતો વેરો વસૂલ કરવામાં આવે છે. પરંતુ તેની સામે શહેરીજનોને શુદ્ધ પાણી તો ઠીક પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પણ પાણી પૂરું પાડવામાં આવતું નથી. પરિણામે લોકોને પાણીની જરૂરિયાતને પૂરી પાડવા માટે પાણીના જગ ઉપર આધાર રાખવો પડે છે. પરિસ્થિતિ એવી છે કે, હવે આરો.ઓ.ના પાણીના જગ વેચનારા સવાર પડતાં જ સોસાયટીઓમાં શાકભાજીની લારીઓ શાકભાજી વેચવા માટે આવે છે તે રીતે લોકોના ઘરે પાણીના જગ આપવા માટે પહોંચી જાય છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના લોકોને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી પૂરું પાડવાનો પ્રશ્ન હલ કરવાને બદલે વડોદરા શહેરમાં જગ દ્વારા પાણી પૂરું પાડી રહેલા આર.ઓ. પાણી વિક્રેતાના યુનિટો ઉપર ચેકિંગ શરૂ કરતા ચકચાર મચી ગઈ હતી. આજે કોર્પોરેશનના ચારેય ઝોનમાં ચાર ટીમ દ્વારા તેઓના વિસ્તારોમાં આવેલા આર.ઓ. યુનિટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. જે લોકો પાસે પેકેજીંગ વોટર, નોન પેકેજીંગ વોટર માટેના જરૂરી સર્ટિફિકેટ ન હોય તેઓને આગામી એક સપ્તાહમાં સર્ટિફિકેટ જમા કરાવવા માટે તાકીદ કરી હતી.
કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર મંગુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, આર.ઓ. પ્લાન્ટ દ્વારા પાણી વેચાણ માટે જરૂરી સર્ટિ. લેવાના હોય છે. કેટલાંક લોકો જરૂરી સર્ટિ. વગર પાણીના જગનું વેચાણ કરી રહ્યા છે. ઉપરાંત પાણીની શુદ્ધતા અંગેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જે આર.ઓ. યુનિટ દ્વારા જરૂરી સર્ટિ. નથી તેવા લોકોને એક સપ્તાહમાં સર્ટિ. રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે. આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે.