- પોલીસને આજે દિપક સરોજનો મૃતદેહ શિનોર તાલુકાના માલસર અસા પુલ નીચે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર અસા પુલ નીચે બે દિવસ પહેલાં લાપતા થયેલા યુવાનનો આજે વિકૃત થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ રહસ્યમય મોતના બનાવ અંગે પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના અલવાનાકા માંજલપુરમાં રહેતો 28 વર્ષીય રામરૂપ સરોજ દિપક રામરૂપ સરોજ ખાનગી બેંકમાં નોકરી કરતા હતો. ગત 8 મેના રોજ નોકરીએ જવાનું જણાવી સવારે મોટરસાયકલ લઇને ઘરેથી નીકળ્યો હતો. તેના પિતા રામરૂપ સરોજ પણ પોતાના ફેબ્રિકેશનના ધંધા પર ગયા હતા. આ દરમિયાન પોલીસને અસા પુલ પાસે મોટર સાયકલ, બેગ, અને હેલ્મેટ હોવાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને તમામ ચીજવસ્તુઓ કબજે કરી તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ પરિવારજનો દ્વારા પણ દિપક સરોજની તપાસ કરવામાં આવી રહી હતી.
આજે પોલીસને દિપક સરોજનો વિકૃત થઇ ગયેલો મૃતદેહ નર્મદા નદી ઉપરના અસા પુલ નીચેથી મળી આવ્યો હતો. પોલીસે પુત્રની શોધખોળ કરી રહેલા પિતાને લાશ બતાવતા અને મોટર સાયકલ બતાવતા તેમણે લાશ પુત્રની હોવાની ઓળખ કરી હતી. લાશની ઓળખ થયા બાદ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દિપક સરોજના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ પોલીસે પિતાની ફરીયાદના આધારે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.