લાલબાગ પાસે ખાનગી કોન્ટ્રક્ટરના 7 કામદારોમાં ડેન્ગ્યું તાવના કેસ નોંધાતા પાલિકા દ્વારા ચેકિંગ

સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય તંત્રએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી અંતિમ નોટિસ આપી

MailVadodara.com - Dengue-fever-cases-reported-among-7-workers-of-a-private-contractor-near-Lalbagh-prompting-checking-by-the-municipality

- જો એક સપ્તાહમાં કોન્ટ્રાક્ટર સફાઇ નહીં કરાવે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે


વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા ખાનગી કોન્ટ્રકટરની સાઈટ પર રહેતા કામદારોમાં ડેન્ગ્યું તાવના 7 કેસ નોંધાતા આજે આરોગ્ય અમલદાર અને વોર્ડ ઓફિસની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કામદારોના રહેણાંક ક્વાર્ટર્સમાં ભારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવતા પાલિકાએ આજે અંતિમ નોટિસ આપી હતી. જો એક સપ્તાહમાં કોન્ટ્રાક્ટર સફાઇ નહીં કરાવે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.


લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અહી કોન્ટ્રાક્ટરના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે. આ સાથે કામદારો અહી પોતાની રસોડું પણ ચલાવે છે. જેના કારણે અહિયાં અસહ્ય ગંદકી થવાથી ડેન્ગ્યુંના 7 કેસ નોંધાયા છે. જે બાદ સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય તંત્રએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.


આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ સહીત પાલિકાના વોર્ડ ઓફીસના સ્ટાફ તેમજ વોર્ડ નંબર 13 ના ભાજપા કાઉન્સિલર જાગૃતિ કાકા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં નર્કાગાર જેવી સ્થિતિમાં કામદારો રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. રસોડાથી લઈને જાહેર સ્નાનાગાર સહીત આવાસના છાપરા પર કચરાનો ઢગલો જોવા મળ્યો હતો. આ સાથે પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુંના મચ્છરો પણ વધ્યા હોવાનું સામે આવ્યું હતું.


વિઝીટ કર્યા બાદ આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, અહિયાં વારંવાર વોર્ડ કચેરી દ્વારા ગંદકી નહિ કરવા માટે નોટિસ આપવામાં આવી છે છતાય ઈજારદાર દ્વારા કામદારોના રહેણાંક વિસ્તારમાં સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે ડેન્ગ્યુંના કેસ કામદારોમાં નોંધાઈ રહ્યા છે. આ અંગે આજે અંતિમ નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જો ત્યાર બાદ પણ સ્વચ્છતાને પ્રાથમિકતા નહિ આપવામાં આવે તો પરિસરને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.


ભાજપાના કાઉન્સિલર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે, આજે વોર્ડ નંબર 13ના હેલ્થ સેન્ટરની મુલાકાતે ગઇ હતી. ત્યાંથી જાણવા મળ્યું હતું કે, ડેંગ્યૂના કેસ આવ્યા છે. આથી તપાસ કરતાં આ કેસ આર.એમ.ડી. માં કામ કરતા શ્રમજીવીઓની વસાહતમાં પારાવાર ગંદકી હોવાના કારણે ડેંગ્યૂના 7 કેસ આવ્યા છે. આથી આરોગ્ય અધિકારીની ટીમને સ્થળ ઉપર બોલાવી હતી. તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી જણાઇ આવી હતી. આથી તેઓને પાલિકા દ્વારા આજે નોટિસ આપવામાં આવી છે.

Share :

Leave a Comments