- ચોખંડીમાં લારી પર વેચાતા ખજૂરનો જથ્થો શંકાસ્પદ જણાતાં ચેકિંગ કરાયું, અખાદ્ય જણાતાં અંદાજિત 30 કિલો જેટલો જથ્થો ડોર ટુ ડોરના વાહનમાં નાખી તેનો નાશ કર્યો હતો
હોળીના દિવસે પાલિકાની ખોરાક શાખાની ટીમે નમૂના લેવાની કાર્યવાહી કરી હતી. વાડી અને ચોખંડીમાં ધાણી, ખજૂર, ઘઉંની સેવ અને હારડા સહિતની વસ્તુઓના 20થી વધુ નમૂના લઇ તેને તપાસ માટે મોકલ્યા હતા.
ચોખંડી વિસ્તારમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય ખજૂરનો જથ્થો જણાતાં તેને ડોર ટુ ડોરના વાહનમાં નાખી નાશ કરાયો હતો. હોળી પર્વને ધ્યાનમાં રાખી ખોરાક શાખાની ટીમે ધાણી, ખજૂર, હળદરવાળા ચણા, હારડા સહિતની વસ્તુઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. ખોરાક શાખાની 3 ટીમોએ અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાડી અને ચોખંડી વિસ્તારમાં રોડ પર પથારા-લારી અને દુકાનમાં વેચાતી ખાદ્ય ચીજોના નમૂના લીધા હતા.
ચોખંડીમાં લારી પર વેચાતા ખજૂરનો જથ્થો શંકાસ્પદ જણાતાં ચેકિંગ કરાયું હતું. જેમાં તે અખાદ્ય જણાતાં અંદાજિત 30 કિલો જેટલો જથ્થો ડોર ટુ ડોરના વાહનમાં નાખી તેનો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક વિસ્તારમાં ખોદકામ કરવાને કારણે હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. બીજી તરફ વાહનો વધવા સાથે રોડ પર ટ્રાફિક વધતાં પ્રદૂષણ વધ્યું છે. તેવામાં લારી-ગલ્લા અને પથારા પર ખુલ્લામાં ધાણી, ખજૂર, ચણા અને હારડાનું વેચાણ કરાઈ રહ્યું છે. ખોરાક શાખાએ ચેકિંગ તો કર્યું પણ ખુલ્લામાં વેચાતી ખાદ્ય ચીજોને રોકવામાં નિષ્ફળ સાબિત થયા છે. રોડ પર ખુલ્લામાં ખાદ્ય ચીજોનું વેચાણ થતું હોવા છતાં ખોરાક શાખાની ટીમ જાણે આંખ મિંચામણાં કરી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.


