- બે ટકા ચાર્જ લઇ કાર્ડ સ્વાઇપ કરી આરોપી રૂપિયા ટ્રાન્સફર કરી આપતો હતો
વડોદરાના યાકુતપુરા સ્લમ ક્વાર્ટર્સ પાસે રહેતા યુવકના ચાર ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૭.૪૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લઇ પરત નહીં આપી છેતરપિંડી કરનાર સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના યાકુતપુરા સ્લમ ક્વાર્ટર્સ પાસે રહેતો મોહસીન ગુલામ રસુલ શેખ ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલ મહાજન દોશી નામની ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મદાર મહોલ્લામાં રહેતા આસિફશા નજુશા દીવાનને હું છેલ્લા ચાર વર્ષથી ઓળખું છું. ફેબુ્રઆરી ૨૦૨૪માં આસિફે મને કહ્યું હતું કે, મેં ક્રેડિટ કાર્ડ સ્વાઇપનું કામ શરૂ કર્યું છે. તમારે પૈસાની જરૂર હોય તો તમને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા કરી આપીશ. મેં મારા ચાર બેંકના ક્રેડિટ કાર્ડ આસિફ્ને આપ્યા હતા. આસિફ મારી પાસે ચાર્જ પેટે બે ટકા લેતો હતો. મારો વિશ્વાસ કેળવી મને લાલચ આપી આસિફે મારા ચાર ક્રેડિટ કાર્ડમાંથી કુલ ૭.૪૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા અને મને તે રૂપિયા પરત આપ્યા ન હતા.