- કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
- હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા
વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત (26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે, ફાયરિંગ કરી બાઈક પર આવેલો શખસો ફરાર થઈ ગયા.

વાઘોડિયા ચોકડી પાસે આશિષકુમાર નામના 37 વર્ષીય વેપારીને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે. ઇજાગ્રસ્ત વેપારીની ઓળખ આશિષકુમાર બાકોલિયા ( ઉંમર વર્ષ 37) હનુમાનપુરા, વડોદરા તરીકે થઈ છે.
DYSP પી.એન. પટેલે જણાવ્યું કે, વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા ત્યારે બે શખસો આવી ઓવરટેક કરી તેઓની ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત વેપારી આશિષ બાકોલિયાએ જણાવ્યું હતું કે, હું કાર લઈ ઘરે જતો હતો સિગ્નલ બંધ હોવાથી ચાર રસ્તા પર ઊભો હતો. બાઈક ચાલકો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. થોડીવાર તો ખબર જ ના પડી કે શું થયું . ત્યાર બાદ હાથમાં પીડા થઈ તો ખબર પડી કઈક વાગ્યું છે. વડોદરા સલામત સિટીમાં આવે છે તેમ છતા આ ઘટના બની. ફાયરિંગ કરનાર કોણ હતા તે મને ખબર નથી. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડે તેવી માંગ વેપારીએ કરી છે.


