ગણેશનગર રોડ પર આમલેટની લારી પર ખાધા બાદ પૈસા માગતા શખ્સોએ મારામારી અને તોડફોડ કરી

ઋષિપાર્ક સોસાયટી ચાર રસ્તા પાસે ખાવાનું ખાઈને પૈસા ન આપવા બાબતે શખ્સોનો હંગામો

MailVadodara.com - After-eating-at-an-omelette-truck-on-Ganeshnagar-Road-people-demanded-money-and-attacked-and-vandalized-the-truck

- લારી સંચાલકના આક્ષેપ મુજબ કેટલાક શખ્સોએ ખાવાનું લીધા બાદ પૈસા આપવાની જગ્યાએ દાદાગીરી કરીને હુમલો કર્યો

- અંદાજે 5 થી 7 હજાર રૂપિયાની રોકડ લૂંટી ખુરશીઓ તેમજ ટેબલની તોડફોડ કરી હોવાના ફરિયાદીએ અક્ષેપો કર્યા

વડોદરાના ગણેશ નગર રોડ નજીક ઋષિપાર્ક સોસાયટી ચાર રસ્તા વિસ્તારમાં આમલેટની લારી પર મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે. લારી સંચાલકના આક્ષેપ મુજબ કેટલાક શખ્સોએ ખાવાનું લીધા બાદ પૈસા આપવાની જગ્યાએ દાદાગીરી કરીને હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન લારી સંચાલક પોતાની જાન બચાવવા સ્થળ પરથી ભાગી ગયો હતો અને તરત જ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ નોંધાવી હતી.


આક્ષેપ છે કે, જ્યારે લારી સંચાલક પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આરોપીઓ ફરી લારી પર આવી પહોંચ્યા હતા. તેઓએ ગલ્લામાંથી અંદાજે 5 થી 7 હજાર રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી અને લારી પર રાખેલી ખુરશીઓ તેમજ ટેબલની તોડફોડ કરી હોવાના ફરિયાદીએ અક્ષેપો કર્યા હતા.

આ અંગે ફરિયાદી સંજય વણઝારાએ જણાવ્યું હતું કે, રાત્રે કેટલાક લોકો તેમની લારી પર જમવા આવ્યા હતા જેઓ નશાની હાલતમાં હતા. જ્યારે સંજયભાઈએ તેમની પાસે પૈસા માંગ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને પોતાને ગુંડા અને ડોન ગણાવવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય લોકોને બોલાવીને સંજયભાઈ પર હુમલો કર્યો, તેમની લારીની તોડફોડ કરી અને ગલ્લામાં રાખેલા તમામ પૈસા લૂંટી લીધા હોવાના અક્ષેપો કર્યા હતા. સંજયભાઈ જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા અને પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. પીડિતે આક્ષેપ કર્યો છે કે, શિવા નામનો એક વ્યક્તિ ગણેશનગર માર્કેટમાં લુખ્ખાગીરી કરે છે અને દર મહિને તેમની પાસેથી હપ્તો ઉઘરાવે છે.


આ ઘટના અંગે પાણીગેટ પોલીસ મથકના PI એ. બી. પટેલે જણાવ્યું હતું કે, રાત્રે ઈંડા લારી ચાલક સાથે માથાકૂટ થઈ છે, તોડફોડ થઈ નથી, પરંતુ આ મામલે અમે ફરિયાદીની ફરિયાદ આધારે તપાસ કરીશું અને અટકાયતી પગલાં લઈશું.

Share :

Leave a Comments