ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારતા પતિએ પત્નીનો આખો પગાર વાપરી નાખ્યો, અભયમની મદદ લીધી

ઓનલાઈન ગેમિંગના વ્યસને વિવાદ વધ્યો, ઓનલાઈન જુગારના કારણે પરિવાર તૂટવાની કગાર પર પહોંચ્યો

MailVadodara.com - Husband-loses-lakhs-of-rupees-in-online-game-spends-wifes-entire-salary-takes-help-from-Abhayam

- ઘરે લેણદારો આવી જવાની ભીતિથી પત્નીનો પગાર સેરવી લીધો, અભયમે કાઉન્સેલિંગ કરતા યુવકે ગેમ રમવાનું કાયમી બંધ કરવાની અને પત્નીને પૈસા પરત આપવાની ખાતરી આપી

વડોદરા શહેરમાં ઓનલાઈન ગેમિંગના વ્યસનના કારણે એક હસતું-ખેલતું દંપતી બરબાદીના આરે પહોંચી ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિના શંકાસ્પદ વર્તન અને પત્નીને સહેજ પણ જાણ કર્યા વગર તેનો આખો માસિક પગાર ઉપાડી જવાના કારણે દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર ઝઘડા થતા હતા. વિવાદ એટલો વધી ગયો હતો કે પતિએ પત્ની સાથે રહેવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આખરે કંટાળીને પીડિત પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરીને આપવીતી જણાવી મદદ માંગી હતી. અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને જ્યારે પતિનું ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ કર્યું, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે યુવક ઓનલાઈન ગેમિંગની લતે ચડીને મોટું દેવું કરી બેઠો હતો અને તે ચૂકવવા માટે જ તેણે પત્નીના નાણાં વાપરી નાખ્યા હતા.

વડોદરાની પીડિત મહિલા નોકરી કરીને ઘર ચલાવવામાં મદદ કરતી હતી, પરંતુ તેના પતિએ તેને કહ્યા વિના તેનો પગાર વાપરી નાખ્યો હતો. આ અંગે પત્નીએ પૂછપરછ કરતાં પતિ ઘરમાં રાડારાડ અને ઝઘડા કરતો હતો. અભયમની ટીમ સમક્ષ કાઉન્સેલિંગ દરમિયાન પતિએ રડમસ અવાજે સ્વીકાર્યું હતું કે તેને ઓનલાઈન ગેમ રમવાની ગંભીર લત લાગી ગઈ હતી. ગેમમાં એકપછી એક મોટી રકમ ગુમાવ્યા બાદ પણ તે હાર જીતના ચક્કરમાં અન્ય લોકો પાસેથી વ્યાજે અને ઉધાર રૂપિયા લઈને રમતો રહ્યો હતો, જેના કારણે તેના પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પત્નીને આ આખી બાબતની કોઈ જ જાણ નહોતી. બીજી તરફ, દેવું વસૂલવા માટે લેણદારોના સતત ફોન આવતા હોવાથી અને તેઓ ઘરે આવીને હોબાળો મચાવશે તેવી ભીતિના કારણે તેણે પત્નીની નજર ચૂકવીને તેનો પગાર લઈ દેવું ચૂકવી દીધું હતું.

અભયમ સમક્ષ યુવકે પસ્તાવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે તેણે ઓનલાઈન ગેમ રમવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને હાલ તેના પર કોઈ વધારાનું દેવું બાકી નથી. તેણે પત્નીની માફી માંગીને ટૂંક સમયમાં જ તેનો સમગ્ર પગાર પરત આપવાની લેખિત ખાતરી આપી હતી. આ સાથે જ તેણે વચન આપ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ નાણાકીય મુશ્કેલી કે આર્થિક નિર્ણય અંગે તે પત્નીને વિશ્વાસમાં લઈને જ આગળ વધશે. 181 અભયમની ટીમે બંને પક્ષોને સાંસારિક જીવનની ગંભીરતા અને ઓનલાઈન જુગારના દુષણો વિશે વિગતવાર સમજ આપીને શાંતિપૂર્વક સમાધાન કરાવ્યું હતું, જેના કારણે એક પરિવાર તૂટતો બચી ગયો છે.

Share :

Leave a Comments