- અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો, સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ અજીતભાઈએ જીવ ગુમાવ્યો
બરોડા ડેરી ત્રણ રસ્તાથી પ્રતાપનગર બ્રિજ તરફ મોપેડ લઇને જઈ રહેલા પ્રોવિઝન સ્ટોરના વેપારીને ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત થયું છે.
મકરપુરા જશોદા કોલોની ખાતે રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અજીતભાઈ વિરોધી શેખર (ઉં.વ. ૫૪) ગત તા. ૧૧/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧ વાગ્યે પોતાના ઘરેથી ઘરનો સામાન લેવા માટે તેમની મોપેડ લઈને નીકળ્યા હતા.
પોણા બાર વાગ્યાના અરસામાં ડેરી ત્રણ રસ્તા પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહને અજીતભાઈની ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો. અકસ્માતમાં અજીતભાઈને માથાના પાછળના ભાગે તથા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્રણ દિવસની સારવાર પછી તેઓનું મોત થયું છે. અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


