સમરસ હોસ્ટેલ અને MSUના HM હોલમાં ફૂડ વિભાગના દરોડા, સ્ટોરેજ અને ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કરાયું

સુરતની કન્યા છાત્રાલયમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ ઓચિંતું ચેકિંગ

MailVadodara.com - Food-Department-raids-Samras-Hostel-and-MSUs-HM-Hall-storage-and-food-quality-inspected

- કાચા માલથી રાંધેલા ખોરાક સુધી ચકાસણી કરાઈ

- ચેકિંગ દરમિયાન સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોમાં ત્રુટિઓ જણાતા સંચાલકોને કડક સૂચના સાથે શેડ્યુઅલ-4ની કાનૂની નોટિસ ફટકારાઇ

સુરતની કન્યા છાત્રાલયમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા (VMC) નું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવી ગયું છે. વડોદરામાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોના રસોડામાં ઓચિંતી તપાસ શરૂ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન જ્યાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોમાં ત્રુટિઓ જણાઈ ત્યાં સંચાલકોને કડક સૂચના સાથે શેડ્યુઅલ-4 ની કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પીરસાતા ખોરાક બાબતે સુરત જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા ફૂડ વિભાગની વિશેષ ટીમો મેદાનમાં ઉતરી છે. અધિકારીઓની ટીમે પોલીટેકનિક સ્થિત સમરસ હોસ્ટેલ તેમજ ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના એચ.એમ. હોલની હોસ્ટેલ મેસની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં કાચો માલ-સામાન, રાંધેલા ખોરાકની ગુણવત્તા, સ્ટોરેજ વ્યવસ્થા અને રસોડા પરિસરની સ્વચ્છતાનું સ્થળ પર જ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના પ્રવર્તમાન નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે સમરસ હોસ્ટેલ મેસના સંચાલકોને જરૂરી માળખાકીય અને સ્વચ્છતા સુધારાઓ કરવા અંગે `શેડ્યુઅલ-4' હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, રાહતરૂપ બાબત એ રહી કે કોઈ પણ જગ્યાએથી ભોજનમાં સડો કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી ગંભીર બેદરકારી સામે આવી નહોતી.

તપાસ કાર્યવાહી અંગે સત્તાવાર વિગતો આપતાં VMC ના ફૂડ ઓફિસર પ્રશાંત ભાવસારે સ્પષ્ટ કર્યું હતું કે, વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા સંચાલકો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. શિક્ષણ સંસ્થાઓ, હોસ્ટેલો અને ખાનગી પીજી મેસમાં નિયમિત સ્વચ્છતા અને ગુણવત્તા જળવાય તે માટે પાલિકાની ફૂડ સેફ્ટી ટીમો દ્વારા આગામી દિવસોમાં પણ શહેરમાં આ પ્રકારની સઘન ડ્રાઇવ સતત જારી રાખવામાં આવશે.

Share :

Leave a Comments