- યુવતીને અસંતોષ જણાતાં સલૂન દ્વારા બીજી વખત વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરી અપાઇ હતી છતાં ફોન કરી રિફંડ માટે દબાણ કરતી હતી, સામે પક્ષે સલૂન સંચાલિકાએ વિદ્યાર્થિની અને તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી
- ગોત્રી પોલીસે યુવતી તેમજ સલૂન સંચાલિકા બંને પક્ષોની સામસામી અરજીઓના આધારે તપાસ હાથ ધરી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક ખાનગી સલૂનમાં કરાવેલી હેર ટ્રીટમેન્ટ યોગ્ય રીતે ન થતાં નાણાં પરત મેળવવા ગયેલી 19 વર્ષીય વિદ્યાર્થિની અને તેના મિત્રો સાથે ઉગ્ર તકરાર બાદ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. 3,500 નું રિફંડ માંગવાના સામાન્ય વિવાદમાં મામલો બિચકતાં ચાર રસ્તા પર યુવકોને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ગોત્રી પોલીસે યુવતી તેમજ સલૂન સંચાલિકા બંને પક્ષોની સામસામી અરજીઓના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હરણી-વારસિયા રોડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગોત્રીના લોટસ એલિટ પાસે આવેલા 'ગ્લીટેન સલૂન' માં તેણે 3,500 ચૂકવીને નેનો પ્લાસ્ટિયા હેર ટ્રીટમેન્ટ કરાવી હતી. જોકે ટ્રીટમેન્ટનું પરિણામ યોગ્ય ન મળતાં 13 સપ્ટેમ્બરના રોજ તે પોતાના મિત્રો સાથે નાણાં પરત લેવા પહોંચી હતી. આ દરમિયાન સલૂનમાં હાજર મહિલા અને અન્ય સ્ટાફે પૈસા આપવાનો ઈનકાર કરી બોલાચાલી કરી હતી. બાદમાં બે શખ્સોને બોલાવી યુવતીના મિત્રોનો યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા સુધી પીછો કરવામાં આવ્યો હતો અને ત્યાં હર્ષ તેમજ જય નામના યુવકોને ગડદાપાટુનો માર મારી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાઈ હતી.
સામે પક્ષે સલૂન ચલાવતી સંચાલિકાએ પણ વિદ્યાર્થિની અને તેના મિત્રો સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી છે. સંચાલિકાના જણાવ્યા મુજબ, ગ્રાહકને અસંતોષ જણાતાં સલૂન દ્વારા બીજી વખત વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી હતી. તેમ છતાં યુવતી વારંવાર ફોન કરી રિફંડ માટે દબાણ કરતી હતી. ગત સાંજે યુવતી પોતાના મિત્રો સાથે સલૂન પર ધસી આવી હતી અને તોડફોડ કરવાની તેમજ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી સંચાલિકા પર હુમલો કર્યો હતો. હાલ ગોત્રી પોલીસે બંને પક્ષોના નિવેદનો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


