સુરતમાં અભ્યાસ કરતો ધો-8નો વિદ્યાર્થી એકલો ટ્રેનમાં બેસી વડોદરા આવ્યો, 1098ની મદદથી પરિવારને મળ્યો

મૂળ બિહારના વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોવાથી કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો

MailVadodara.com - An-8th-grade-student-studying-in-Surat-traveled-alone-by-train-to-Vadodara-and-reunited-with-his-family-with-the-help-of-the-1098-helpline

- મુસાફરે બાળકની શંકાસ્પદ હિલચાલ જોઈ હેલ્પલાઈન 1098ને જાણ કરી હતી

- બાળકે આપેલા નંબર પરથી ટીમે બિહાર સ્થિત તેના પિતાનો સંપર્ક કર્યો હતો, કાઉન્સેલિંગ બાદ પિતાને સહીસલામત સોંપાયો

સુરતની એક હોસ્ટેલમાં રહીને ધોરણ-8માં અભ્યાસ કરતા અને મૂળ બિહારના સગીર વિદ્યાર્થીને હોસ્ટેલનું વાતાવરણ અનુકૂળ ન આવતાં તે કોઈને કહ્યા વિના એકલો ટ્રેનમાં બેસી વડોદરા પહોંચી ગયો હતો. જોકે, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક જાગૃત મુસાફરની સમયસૂચકતા અને ચાઈલ્ડ હેલ્પલાઈન (1098) ની તાત્કાલિક દરમિયાનગીરીથી આ સગીર કોઈ અણબનાવનો ભોગ બનતાં બચી ગયો હતો અને તેને સહીસલામત પરિવારને સોંપવામાં આવ્યો હતો.

ટ્રેન મુસાફરી દરમિયાન એકલા બેઠેલા માસૂમ બાળકની ગભરાયેલી અને શંકાસ્પદ હિલચાલ જોઈ એક મુસાફરનું ધ્યાન ગયું હતું. તેમણે બાળક સાથે વાતચીત કરી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળક કંઈ બોલવા તૈયાર નહોતું. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી મુસાફરે સમય ગુમાવ્યા વગર તાત્કાલિક ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 પર કોલ કરી સંપૂર્ણ વિગત જણાવી હતી.

માહિતી મળતાં જ વડોદરા રેલવે સ્ટેશન પર તૈનાત ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ પ્લેટફોર્મ પર પહોંચી ગઈ હતી અને ટ્રેનમાંથી બાળકને હેમખેમ નીચે ઉતાર્યો હતો. ટીમના સભ્યોએ બાળકની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી તેને વિશ્વાસમાં લીધો ત્યારે તેણે જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોવાથી તે કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. ત્યારબાદ બાળકે આપેલા નંબર પરથી ટીમે બિહાર સ્થિત તેના પિતાનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.

પિતા તાબડતોબ વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન હેલ્પલાઈન કાઉન્સિલર્સે બાળકને સમજાવ્યું હતું કે જીવનમાં આગળ વધવા અભ્યાસ જરૂરી છે અને આ રીતે કોઈને જાણ કર્યા વગર ભાગી જવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાળકને સહીસલામત પિતાને સોંપવામાં આવ્યો હતો. પોતાના વ્હાલસોયાને હેમખેમ જોઈ પિતા ભાવુક થઈ ગયા હતા અને સતર્ક મુસાફર તેમજ ચાઈલ્ડ હેલ્પલાઈનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Share :

Leave a Comments