- ત્રણ સવારી બાઇક લઈને ચોરી કરવા આવ્યા, બે ચોરને ઉતારી ત્રીજો બાઇક મૂકવા ગયો, ચોરી અંગે લોકોને ખબર પડતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા, ઘટના CCTV કેમેરામાં કેદ
- સિક્યુરિટી ગાર્ડની નજર સામે એક તસ્કર ભાગ્યો, ત્યારબાદ થોડીવારમાં બીજો તસ્કર પણ ભાગ્યો, ત્રીજો તસ્કર ભાગ્યો તો પણ સિક્યુરિટી ગાર્ડ ખુરશી પર જ બેઠો રહ્યો
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ઓલીવન રેસીડેન્સીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિક પોતાના વતન ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટના લોક તોડી માત્ર 10 મિનિટમાં અંદાજે રૂ. 1.86 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે લોકોને ખબર પડતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ છે. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
24 જૂનની વહેલી સવારે 3.47 વાગ્યે ત્રણ તસ્કરો એક બાઇક પર સોસાયટીમાં પ્રવેશે છે. અહીં આવ્યા બાદ બાઇક પરથી બે ચોર ઉતરી જાય છે. બાઇક પરથી ઉતર્યા બાદ બે શખસો ફટાફટ મકાનમાં ઘૂસે છે. આ તરફ બાઇક ચાલક એક તસ્કર યુ-ટર્ન મારીને પાછો જતો જોવા મળે છે. આ દરમિયાન તે પાછળ વળીને એકવાર ચેક પણ કરે છે કે બે તસ્કર મકાનમાં ઘૂસ્યા કે નહીં.

થોડીવારમાં જ બાઇક ચાલક તસ્કર પોતાનું બાઇક ક્યાંક મૂકીને પાછો તે જગ્યા પર પહોંચી જાય છે. આ દરમિયાન મકાનમાં ઘૂસેલા બે તસ્કર તાળું તોડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. બે તસ્કરો મકાનનું તાળું તોડવામાં વ્યસ્ત હોય છે તે દરમિયાન બાઇક ચાલક તસ્કર બહાર વોચમાં ઉભો રહે છે. બે તસ્કરો મકાનનું તાળું તોડી નાખે છે. ત્યારબાદ વોચમાં ઉભેલો તસ્કર પણ આજુબાજુમાં જોઇને ઘરમાં ઘૂસી જાય છે અને દરવાજો બંધ કરી દે છે. બાદમાં ત્રણેય તસ્કરો ચોરીને અંજામ આપે છે. માત્ર 10 મિનિટમાં પોણા બે લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા સમયે કોઈ કારણોસર આસપાસના લોકોને જાણ થઈ જાય છે. લોકોને ખબર પડતાં જ તસ્કરો ઊભી પૂંછડીએ ભાગી જાય છે.

તસ્કરો સિક્યુરિટી ગાર્ડની કેબિન આગળથી જ ભાગે છે. એક બાદ એક તસ્કર સિક્યુરિટી ગાર્ડની કેબિન આગળથી ભાગતા જોવા મળે છે, પરંતુ સિક્યુરિટી ગાર્ડ પોતાની ખુરશી પરથી ઉભો પણ થતો નથી. ફરિયાદી બ્રિજેશકુમાર પ્રકાશભાઈ પટેલ કે જેઓ આજવા રોડ પર ઓલીવન રેસીડેન્સીમાં પોતાની દાદી સાથે રહે છે અને સૌરાષ્ટ્ર પાન પાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિગત મુજબ, ગત 23 જૂન, 2026ના રોજ બપોરે તેઓ ઘરને લોક મારીને પોતાના વતન કોઠંબા ગયા હતા.

બીજા દિવસે સવારે 6 વાગ્યાની આસપાસ, તેમના મકાનના પ્રથમ માળે ભાડે રહેતા જીતેન્દ્રભાઈએ ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરના દરવાજાનો નકચો તૂટેલો છે. આ સાંભળી બ્રિજેશકુમાર તાત્કાલિક વતનથી પરત આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હતો અને કબાટ તેમજ તેની અંદર રાખેલા લોકરનું તાળું તૂટેલું હતું. લોકરમાં રાખેલા સોના-ચાંદીના તમામ દાગીના ગાયબ હતા.

તેઓએ તપાસ કરતા સોના-ચાંદીના મળી કુલ રૂપિયા 1,86,325ના દાગીનાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ચોરીની ઘટના બાદ બ્રિજેશકુમારે ઘરની સામે આવેલા મકાનના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફૂટેજમાં તસ્કરો માત્ર 10 જ મિનિટમાં આ આખી ચોરીને અંજામ આપ્યો હતો. બાપોદ પોલીસે આ CCTV ફૂટેજના આધારે ત્રણેય અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


