- 15 દિવસમાં 13 હોટસ્પોટ પર કેમેરા સ્થાપિત કરાશે, સતત મોનિટરિંગ સાથે દંડાત્મક કાર્યવાહી થશે, ગત વર્ષે હજારો ટન કચરો નદીમાંથી દૂર કરાયો હતો
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં લોકોને કચરો ઠાલવતા અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પુલોની આસપાસ ફેન્સિંગ ઊભી કરી છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા નદીમાં કચરો નાખવાનું ચાલુ રાખવામાં આવતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સીસીટીવીથી મોનિટરિંગ અને દંડાત્મક કાર્યવાહી કરશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિશ્વામિત્રી નદીના એવા ૧૩ સ્થળોની ઓળખ કરી છે, જ્યાં સૌથી વધુ કચરો ઠાલવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવાયા મુજબ, આગામી ૧૫ દિવસમાં આ તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાશે. કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નદીમાં કચરો ઠાલવતા ઝડપાયેલી વ્યક્તિ, વાહનચાલક કે સંસ્થા સામે દંડનીય કાર્યવાહી કરાશે. હાલ અન્ય વિસ્તારોનો પણ સર્વે ચાલી રહ્યો છે અને જ્યાં જરૂર જણાશે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે. એમણે ઉમેર્યું કે વિશ્વામિત્રી નદીમાં ગત્ વર્ષે રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી દરમિયાન ૨૨ હજાર મેટ્રિક ટન સીએન્ડડી (કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન) સહિતનો કચરો તથા ૯૬૦ ટન પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરાયો છે.


