સોનમ વાંગચુકના સમર્થનમાં વડોદરાની MSUમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને માર્ચનું આયોજન કરાયું

દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા વડોદરામાં

MailVadodara.com - Students-organized-a-rally-and-march-at-MSU-Vadodara-in-support-of-Sonam-Wangchuk

- શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી, રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી

દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા વડોદરામાં પણ જોવા મળ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ વિદ્યાર્થી રેલી અને શાંતિપૂર્ણ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સોનમ વાંગચુકના સમર્થનમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ સમયે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.


વિધાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીથી લઈને ડી. એન. હોલ પાસે એક વિદ્યાર્થી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે. છેલ્લા 20 દિવસથી સોનમ વાંગચુક વિદ્યાર્થીઓના હિત માટે ભૂખ હડતાલ પર બેઠા છે, છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલતું. અત્યાર સુધી સરકાર તરફથી તેમની સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી. તમે જુઓ કે આ સરકારના શાસનમાં 70થી પણ વધારે પેપરો લીક થયા છે. આ તો માત્ર એક સત્તાવાર આંકડો છે, બાકી બિન-સત્તાવાર રીતે કેટલાય પેપરો લીક થયા હશે. જ્યારે વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવી રહ્યો હોય, ત્યારે એમ. એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભેગા થઈને પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. જ્યાં લોકશાહીનું હનન થતું હોય તેવું લાગી રહ્યું છે, એટલા માટે જ આજે આ એક વિદ્યાર્થી રેલીનું આયોજન કરાયું છે. આ એક બિન-રાજકીય કાર્યક્રમ હતો અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે નીટની પરીક્ષાનું પેપર વારંવાર લીક થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓના 70થી વધુ પેપરો લીક થયા છે. શું ગરીબ વિદ્યાર્થીઓને ભણવાનો કોઈ હક જ નથી? જે લોકો પાસે પૈસા છે, રૂપિયા છે, શું એ લોકો જ ડૉક્ટર બની શકે કે આગળ વધી શકે? એટલા માટે જ આ ગરીબ વિદ્યાર્થીઓના હક માટે અમે અવાજ ઉઠાવ્યો છે. અમે છેલ્લા કેટલાય મહિનાઓથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. તેમ છતાં સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને છાવરી રહી હોય તેવું લાગે છે. તેમનું રાજીનામું કેમ લેવામાં નથી આવતું? ધર્મેન્દ્ર પ્રધાનમાં એવું તો શું છે કે અત્યાર સુધી તેમનું રાજીનામું લેવાયું નથી? આજે સમગ્ર દેશ એક જ અવાજે કહી રહ્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદેથી રાજીનામું આપે.

વિદ્યાર્થીની ઝેબા મકરાણીએ જણાવ્યું હતું કે, મારું સરકારને એટલું જ કહેવું છે કે તમને લોકોને શરમ આવવી જોઈએ. તમારા શાસન હેઠળ દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તેના માટે તમને સેજ પણ શરમ નથી. તમે પોતે અભણ છો અને એક અભણ માણસને શિક્ષણ મંત્રી બનાવીને બેસાડી દીધા છે, જેમના નેજા હેઠળ પેપર લીક થઈ રહ્યા છે. આ પેપર લીકના કારણે કેટલાય માતા-પિતાએ પોતાના બાળકો ગુમાવ્યા છે. જો તમારા ઘરનું બાળક આ રીતે આત્મહત્યા કરે તો તમને એ દર્દની ખબર પડે. જે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, તેની આડમાં તમે લોકો લુખ્ખાગીરી કરીને સોનમ વાંગચુક સરને ત્યાંથી ઉપાડી ગયા છો. આવી લુખ્ખાગીરી કરતા તમને શરમ આવવી જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું તો આપવું જ પડશે.

સરકાર તરફથી જે ગુંડાઓ મોકલવામાં આવ્યા છે, તેમણે પોતાની નેમ પ્લેટો પણ હટાવી દીધી છે. અમને કેવી રીતે ખબર પડે કે તેઓ સાચે જ આર્મીવાળા છે કે પોલીસવાળા? તેમણે નેમ પ્લેટ એટલા માટે નથી રાખી કારણ કે પબ્લિક ત્યાં બધી અપડેટ આપી રહી છે. ત્યાં વાઈ-ફાઈ વગેરે પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેથી અપડેટ બહાર ન જાય. ત્યાં જે લોકો શાંતિપૂર્વક 'ચલો સંસદ' નું આયોજન કરી રહ્યા હતા, ત્યાં પણ ટિયર ગેસ છોડવામાં આવ્યા અને એક યુવાનનું નાક તોડી નાખવામાં આવ્યું. તમને થોડી શરમ આવવી જોઈએ અને શરમ કરીને રાજીનામું આપી દેવો જોઈએ. અમને તમારી કોઈ જરૂર નથી, અમને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ જોઈએ છે. તેથી તમે જઈ શકો છો, અમને અહીં તમારી કોઈ જરૂર નથી.

Share :

Leave a Comments