પાણીગેટ સ્થિત બાવામાનપુરા વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટી પડતા રિક્ષા ખાબકી, ચાલકનો બચાવ

મહાનગરપાલિકાની કામગીરીના ધજાગરા, અગાઉ રજૂઆત કરી પણ સમારકામ ન થયું

MailVadodara.com - Rickshaw-plunges-into-manhole-after-cover-collapses-in-Panigates-Bavamanpura-area-driver-escapes-unharmed

- બાવામાન દાદાની દરગાહ નજીક તૂટેલા ગટરના ઢાંકણાના કારણે એક ઓટો રિક્ષા ફસાઈ જતાં અકસ્માત સર્જાયો

- ઢાંકણું તૂટી ગયું હતું, ખાડો દેખાયો નહીં, મોટો અકસ્માત ટળ્યો

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડતી ઘટના સામે આવી છે. પાણીગેટ સ્થિત બાવામાનપુરા વિસ્તારમાં એક રીક્ષા ખાડામાં ખાબકતા રિક્ષા ચાલકનો બચાવ થયો હતો.


ચોમાસાના પ્રારંભિક વરસાદની સાથે જ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા મોટા મોટા દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાણીગેટ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ બાવામાન દાદાની દરગાહ નજીક તૂટેલા ગટરના ઢાંકણાના કારણે એક ઓટો રિક્ષા ફસાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ બનાવમાં સ્થાનિકોની સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ આ ઘટનાએ પાલિકાની બેદરકારીને છતી કરી દીધી છે.

બાવામાનપુરા વિસ્તારમાં દરગાહ પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં હતું. તાજેતરમાં વરસાદને કારણે માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા પરથી પસાર થઈ રહેલા ઓટો રિક્ષાચાલકને પાણી નીચે રહેલું આ તૂટેલું ઢાંકણું કે ગટરનો ખાડો દેખાયો ન હતો. આથી, અચાનક જ રિક્ષાનું એક વ્હીલ ગટરના ઊંડા ખાડામાં ખાબક્યું હતું અને રિક્ષા ત્યાં જ ફસાઈ ગઈ હતી. રિક્ષાનું સંતુલન બગડતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળી ભારે જહમત બાદ રિક્ષાને સુરક્ષિત બહાર કાઢી હતી, જેથી મોટી હોનારત ટળી હતી.

આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ તૂટેલા ઢાંકણાનું સમારકામ કરવામાં આવ્યું ન હોત. મામૂલી વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જતાં દરરોજ હજારો વાહનચાલકો તેમજ પગપાળા જતા વૃદ્ધો અને બાળકો માટે જીવનું જોખમ ઊભું થાય છે. આજે તો માત્ર રિક્ષા ફસાઈ છે, પરંતુ ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક કે વાહનચાલક આમાં ખાબકે અને હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા તીખા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે તૂટેલી ગટરોનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે.

Share :

Leave a Comments