કરજણ પાસે એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપાયો, પોલીસને જોઈ ડ્રાઈવર ગાડી મૂકી ફરાર

કરજણ પોલીસે કણભા પાસે બ્રિજ પર વોચ ગોઠવી હતી, શંકાસ્પદ ડાલું આવતા રોક્યું હતું

MailVadodara.com - Foreign-liquor-seized-on-the-expressway-near-Karjan-driver-abandoned-the-vehicle-and-fled-upon-seeing-the-police

- વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો કુલ નંગ 9,552 કિંમત 15,66,528 અને વાહન સાથે 20,66,528નો મુદ્દામાલ કબ્જે કર્યો, બનાવટી નંબર પ્લેટ અને ડુપ્લિકેટ RC બુક મળી

વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી અવાર નવાર વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ રહી છે. ત્યારે કરજણ પોલીસ સ્ટેશનના પી.આઈ બી. એમ. પટેલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોતાં જ દારૂ ભરેલી ગાડીનો ચાલક વાહન ચાલુ હાલતમાં મૂકીને હાઈવેની રેલિંગ કૂદીને ભાગી છૂટ્યો હતો. પોલીસે 20 લાખથી વધુના મુદ્દામાલને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચથી વડોદરા તરફ જતા NE-4 એક્સપ્રેસ હાઈવે પરથી કણભા ગામની સીમમાંથી એક સફેદ રંગનું અશોક લેલેન્ડ ડાલું પસાર થવાનું છે, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે કણભા પાસે આવેલ બ્રિજ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ડાલું આવતા પોલીસે તેને રોકવા હાથથી ઈશારો કર્યો હતો. ડ્રાઈવરે વાહન ધીમું પાડ્યું હતું, પરંતુ પોલીસ સ્ટાફને જોતાં જ તેણે ગાડી હાઈવેની છેલ્લી લાઈનમાં ચાલુ હાલતમાં જ ઊભી રાખી દીધી હતી અને રોડની રેલિંગ કૂદીને હાઈવે પરથી નીચે ઊતરીને નાસી છૂટ્યો હતો.

પોલીસે બિનવારસી હાલતમાં મુકાયેલા ડાલાની પાછળ તપાસ કરતાં કાળા કલરની તાડપત્રી બાંધેલી મળી આવી હતી. તાડપત્રી ખોલીને જોતાં તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો કુલ નંગ 9,552 મળી આવી હતી, જેની કિંમત 15,66,528 થાય છે. સાથે પોલીસે વાહન સાથે કુલ રૂપિયા 20,66,528નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કરજણ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન નાસી છૂટેલા અશોક લેલેન્ડ ડાલાના ચાલકની શોધખોળ ચાલુ છે. સાથે આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો અને કયા કઈ જવામાં આવતો જતો તેની પણ તપાસ કરવામાં આવશે.

Share :

Leave a Comments