- પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરના 96 નંગ, છ મોબાઇલ ફોન, એક ટુ-વ્હીલર તથા રોકડ રૂપિયા સહિત રૂ.2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેર પોલીસે સમા વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધા સામે રેડ કરતાં મુખ્ય બુટલેગર રમણ ઉર્ફે 'શિયાળ' માળી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરના 96 નંગ, છ મોબાઇલ ફોન, એક ટુ-વ્હીલર તથા રોકડ રૂપિયા સહિત રૂ.2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં રમણભાઈ ઉર્ફે શિયાળ મયજીભાઈ માળી, તેનો પુત્ર મેહુલ રમણભાઈ માળી તેમજ કમલેશ તળપદા, સંતોષ માળી અને હરમનજીતસિંહ ઓજવાનો સમાવેશ થાય છે. જ્યારે પવન ભાઉ ઉર્ફે નિલેશ જયસ્વાલ નામનો આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ સંગઠિત રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની ખરીદી, સંગ્રહ, હેરફેર અને વેચાણનો ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન, વાહન અને રોકડ રકમ સહિત રૂ 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની શોધખોળ સાથે દારૂના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


