- સ્થાનિકોએ બુટલેગર વિશાલ લાલવાણી અને તેના સાગરીતો સામે કુંભારવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
- મહિલા સહિત 3 ઈજાગ્રસ્ત, પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી વાસવાણી કોલોનીમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવેલા ઉપદ્રવના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 4થી 5 શખ્સોના ટોળાએ ઘરો પર બેફામ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી હતી. આ હિંસક હુમલામાં મહિલા સહિત ત્રણ નિર્દોષ રહીશોને ઈજાઓ પહોંચી હતી. પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ બનાવ અંગે સ્થાનિકોએ બુટલેગર વિશાલ લાલવાણી અને તેના સાગરીતો સામે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વાસવાણી કોલોનીમાં રહેતા અને કેટરિંગનું કામ કરતા પ્રિતિબેન શંકરલાલ બેલાણી (ઉ.વ. 36) દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર, તા. 5 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 10.15 વાગ્યે તેઓ પોતાની દીકરી સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન ભાથુજી મંદિર પાસે રહેતો વિશાલ અશોકભાઈ લાલવાણી તેના ત્રણ અજાણ્યા સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો. વિશાલે ઘરની બહાર પાર્ક કરેલી એક્ટિવા નીચે પાડી દીધી હતી અને તેની સાથેના શખ્સોએ પથ્થરમારો કરી રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. મહિલા બહાર આવતાં જ તમામ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ ઘટના પહેલાં આરોપીઓએ સ્થાનિક રહીશ જસવંત રતીરામ અહેરવારના ટેમ્પોને રસ્તામાં રોકી ગાળો આપી ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો. જસવંતભાઈ કોઈરીતે બચીને ઘરે પહોંચ્યા ત્યારે થોડીવારમાં જ આરોપીઓએ તેમના ઘર પર બેફામ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં જસવંતભાઈને જમણા હાથની કોણી પર, તેમની ભાભી રેણુકાબેનને ડાબા હાથમાં અને પત્ની રાજકુમારીબેનને માથાના ભાગે પથ્થર વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના અંગે તાત્કાલિક '112 જન રક્ષક સેવા' મારફતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિશાલ લાલવાણી અને તેની ગેંગ લાંબા સમયથી વિસ્તારમાં દાદાગીરી અને અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે. કુંભારવાડા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


