MSUની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની હાજરીની વિગતો દર મહિને નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે

ટેકનોલોજી ફેકલ્ટીની તમામ બેઠકો ભરાઈ જતા એફવાયના શિક્ષણ કાર્યનો પ્રારંભ

MailVadodara.com - Details-of-student-attendance-in-the-MSU-Commerce-Faculty-will-be-displayed-on-the-notice-board-every-month

- વિદ્યાર્થીની 75 ટકા હાજરી હોવી જોઈએ, જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે, ગેરહાજરીના કારણે તેમને 25 માર્કસનું નુકસાન પણ થઈ શકે છે

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષથી એફવાયના વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જેના કારણે શિક્ષણ શરુ થયાના લગભગ એક મહિના બાદ વર્ગોમાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ લેકચર એટેન્ડ કરતા જોવા મળી રહ્યા છે.

જોકે ફેકલ્ટી સત્તાધીશોએ આ નિર્ણયનો સતત અમલ થતો રહે તે માટે હવે દર મહિને દરેક વિદ્યાર્થીની હાજરીની જાણકારી નોટિસ બોર્ડ પર મૂકવાનું નક્કી કર્યું છે. ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, અત્યારના તબક્કે તો ૮૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ ક્લાસમાં જોવા મળી રહ્યા છે.જુલાઈ મહિનામાં વિદ્યાર્થીઓની કેટલી હાજરી હતી તેની જાણકારી દરેક યુનિટના નોટિસ બોર્ડ પર મૂકાશે અને દર મહિને આ રીતે જાહેરાત થતી રહેશે.

તેની સાથે સાથે અમે વિદ્યાર્થીના ઘરે પણ આ જાણકારી મોકલવા માંગીએ છે અને તે કઈ રીતે કરી શકાય તેના પર અત્યારે વિચારણા ચાલી રહી છે. વિદ્યાર્થીની ૭૫ ટકા હાજરી હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. ગેરહાજરીના કારણે તેમને ૨૫ માર્કસનું નુકસાન પણ થઈ શકે છે. કારણકે ક્લાસમાં થતી એક્ટિવિટીના અને હાજરીના માર્ક તેઓ ગુમાવી શકે છે.

ધો.૧૨ પછી રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશની ચાલી રહેલી પ્રક્રિયામાં ટેકનોલોજી ફેકલ્ટીની તમામ બેઠકો ભરાઈ જતા હવે ફેકલ્ટીમાં એફવાયનું શિક્ષણ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. ફેકલ્ટી ડીન પ્રો.એચ એમ પટેલે કહ્યું હતું કે, ફેકલ્ટીના એક પણ વિભાગમાં એફવાયની બેઠક ખાલી નથી. હવે કોઈ વિદ્યાર્થી પાછળથી પ્રવેશ રદ કરે તો વાત અલગ છે. ૯૦૦ બેઠકો ભરાઈ ગઈ હોવાથી તા.૪ અને ૫ ઓગસ્ટ એમ બે દિવસ એફવાયના વિદ્યાર્થીઓનું ઓરિએન્ટેશન હાથ ધરાયું હતું અને તેમના લેકચર પણ શરુ કરી દેવાયા છે. જેથી વિદ્યાર્થીઓનો કોર્સ સમયસર પૂરો કરી શકાય.

Share :

Leave a Comments