- નવી કચેરીઓ, પાણી-ડ્રેનેજ અને સ્વિમિંગ પુલ સહિતના કામોને પ્રાધાન્ય અપાશે, જન્મ-મરણ શાખાની નવી કચેરી અને હરણીમાં સ્વિમિંગ પુલના પ્રસ્તાવને મંજૂરી મળશે
- મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદીની ફેન્સિંગ સહિત અનેક વિકાસ કામો સ્થાયી સમિતિમાં, આગામી શુક્રવારે મળનારી સ્થાયીની બેઠકમાં 75 કરોડથી વધુના કામોને મંજૂરી અપાશે
વડોદરા મહાનગરપાલિકામાં આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસની ગતિને વેગ આપવાના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાઈ પડેલા કામોને હવે આગળ ધપાવવા માટે સ્થાયી સમિતિની મંજૂરી માટે મુકવામાં આવ્યા છે. આગામી શુક્રવાર (7 ઓગષ્ટ)ના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં 75 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવશે. જેમાં નવી કચેરીઓના નવીકરણ તેમજ પાણી અને ડ્રેનેજના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ નવી કચેરીઓ બનાવવાનું આયોજન છે. જેમાં દંતેશ્વરમાં વોર્ડ 16ની નવી કચેરી બનાવવામાં આવશે જેના માટે કોન્ટ્રાક્ટર દ્વારા 4.81 કરોડનો ભાવ મુકવામાં આવ્યો છે. તો નવાપુરા સરદાર માર્કેટની જગ્યામાં નવી જન્મ મરણ શાખાની કચેરી બનાવવાનું આયોજન છે જેના માટે કોન્ટ્રાક્ટર દ્વારા 32.92 કરોડનું ભાવપત્રક આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હરણી ટીપી 1માં નવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે તેમજ પીએમ ઈ બસ માટે નવા ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવા માટે ઇજારદારને મંજૂરી આપવાનું કામ એજંડા ઉપર મુકવામાં આવ્યું છે.
સૈયદ-વાસણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આગામી એક વર્ષ માટે શાળાને આ જ વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટરમાં ખસેડવામાં આવે તેની મંજૂરી માટેનું કામ સ્થાયી સમિતિમાં મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત સાર્વજનિક અખાડાઓને આર્થિક સહાય તેમજ મહાનગરપાલિકા કર્મચારી મંડળના સભ્યોના બાળકોને ફુલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં ચોપડામાં મહાનગરપાલિકાની જાહેરાત છાપવાના કામને પણ મંજૂરી આપવામાં આવશે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પાણીની નવી નલિકા નાખવાની કામ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરઝોનમાં વોર્ડ 1,2,3,7 અને 13માં નવી પાઈપલાઈન નાખવાના કામે નવો ઈજારો ન થાય ત્યાં સુધી જે તે ઇજારદારને 10 લાખની નાણાકીય મર્યાદા વધારી આપવા માટેનું કામ મંજૂરી માટે સ્થાયી સમિતિની બેઠકમાં મુકવામાં આવ્યું છે. સ્થાયી સમિતિમાં શુક્રવારે કુલ રૂ. 75,41,76,035ના કામો મંજૂરી માટે મુકવામાં આવ્યા છે. તો આ ઉપરાંત અનેક એવા કામો છે જેની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત મંગલ પાંડે રોડ ઉપર વિશ્વામિત્રી નદીના બ્યુટીફીકેશન માટે એમ.એસ.ની ફેન્સીંગ કરવાનું કામ મંજૂરી માટે મુકવામાં આવ્યું છે. આ માટે ઇજારદાર એમ.આર.એન્ટરપ્રાઇઝ દ્વારા 73.22 લાખનું ભાવપત્રક મુકવામાં આવ્યું છે. જે સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવશે.


