સનફાર્મા રોડ ઉપર દારૂના નશામાં ધૂત કારચાલકે કાબૂ ગુમાવતા કાર સીધી થાંભલા સાથે અથડાવી

વધુ એક નશેડીએ અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત કારચાલકને પોલીસ મથકે લઈ જવાયો

MailVadodara.com - A-heavily-intoxicated-car-driver-lost-control-and-crashed-the-car-directly-into-a-pole-on-Sun-Pharma-Road

- અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી કારચાલકને બહાર કાઢ્યો ત્યારે તે ભારે નશાની હાલતમાં જણાયો હતો, કારચાલકને પોલીસ હવાલે કરાયો હતો


વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન, ગુરુવારે શહેરના સનફાર્મા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, જ્યાં દારૂના નશામાં ધૂત કારચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર સીધી થાંભલા સાથે અથડાવી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કારચાલકને બહાર કાઢ્યો ત્યારે તે ભારે નશાની હાલતમાં જણાયો હતો. નશાની સ્થિતિમાં રહેલ કારચાલકને પોલીસ હવાલે કરાયો હતો.


પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક નશામાં ધૂત કારચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માતો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરી આવા તત્વોને ઝડપી લે તો ચોક્કસ કોઈ નિર્દોષનો જીવ બચી શકે તેમ છે.

આ અકસ્માત જોનાર પ્રત્યક્ષદર્શી આરિફ શેખે જણાવ્યું હતું કે, હું મારા મિત્રની ગાડી પાછળ બેસીને જતો હતો, ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવીને થાંભલા સાથે ટકરાઈ હતી. બાદમાં અમે તેને બહાર કાઢ્યો તો તે લથડિયા ખાતો હતો અને કેટલાક લોકો તેને સપોર્ટ કરતા હતા. તેઓએ પોતાની ઊંચી પહોંચ હોવાનું કહી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોત તો જવાબદારી કોની? આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.

Share :

Leave a Comments