એમ.એસ. યુનિ.ના 75મા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે, 210 સુવર્ણ ચંદ્રકો અપાશે

એમ.એસ. યુનિવર્સિટીના 75મા દીક્ષાંત સમારોહની તૈયારીઓ પૂર્ણ

MailVadodara.com - President-Droupadi-Murmu-to-attend-MS-Universitys-75th-convocation-ceremony-210-gold-medals-to-be-awarded

- આગામી 23 સપ્ટેમ્બરે યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય પાછળ આવેલી કમલા-રમણ વાટિકામાં સમારોહ યોજાશે, 12,557 વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવાશે

- જે વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહી શકશે નહીં અને તેમણે 'In Absentia' માટે અરજી કરી છે, તેમના ડિગ્રી પ્રમાણપત્રો સમારોહ પૂર્ણ થયા બાદ અરજીપત્રકમાં દર્શાવેલા સરનામે સ્પીડ પોસ્ટથી મોકલી અપાશે

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાનો 75મો વાર્ષિક દીક્ષાંત સમારોહ આગામી 23 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 1030 વાગ્યે ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાવા જઈ રહ્યો છે. યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય પાછળ આવેલી કમલા-રમણ વાટિકા ખાતે યોજાનારા આ પ્રતિષ્ઠિત સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપશે. આ કાર્યક્રમ દરમિયાન કુલ 210 સુવર્ણ ચંદ્રકો અને ગુણવત્તા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

આ વર્ષના દીક્ષાંત સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અને ડોક્ટરલ કોર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓના કુલ 12,557 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવશે. આ સાથે જ NEP (નેશનલ એજ્યુકેશન પોલિસી) અને Non-NEP માળખા હેઠળ 3 અને 4 વર્ષનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદાય લેતી બેચના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહક વ્યવસ્થા કરવામાં આવી છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ દરમિયાન કુલ 210 સુવર્ણ ચંદ્રકો અને ગુણવત્તા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી છે કે, જે વિદ્યાર્થીઓએ સમારોહમાં રૂબરૂ હાજર રહીને ડિગ્રી મેળવવા માટે અરજી કરી છે, તેમણે પદવીદાન સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓ સમારોહમાં રૂબરૂ હાજર રહી શકશે નહીં અને તેમણે 'In Absentia' માટે અરજી કરી છે, તેમના ડિગ્રી પ્રમાણપત્રો સમારોહ પૂર્ણ થયા બાદ અરજીપત્રકમાં દર્શાવેલા સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે. સંબંધિત તમામ વિદ્યાર્થીઓને આ બાબતે સમયસર નોંધ લેવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments