- રાત્રે 10 વાગ્યા બાદ ડીજે ચાલુ રાખ્યું, મોડી રાત્રે વધુ અવાજે ડીજે વગાડતા મકરપુરામાં કાર્યવાહી
વડોદરામાં ગણેશજીના આગમન મહોત્સવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરી મોડી રાત સુધી ડીજે વગાડનાર આયોજકો અને સંચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. નવાપુરા અને મકરપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી નિયત સમય મર્યાદા વટાવીને ડીજે વગાડનાર ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી ડીજે સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગણેશજીના આગમનની ખુશીમાં ઠેરઠેર ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક સ્થળોએ ડીજેના સંચાલકો અને આયોજકો દ્વારા વહીવટી તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે લાઉડસ્પીકર કે ડીજે વગાડવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં નિયમોની પરવા કર્યા વગર મોડી રાત સુધી ડીજે ધમધમાવવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા પોલીસે રાત્રિના સમયે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે.
પ્રથમ બનાવ નવાપુરા પોલીસ વિસ્તારમાં નોંધાયો હતો. જેમાં પોલીસની ટીમ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગણેશ વરઘોડાના બંદોબસ્તમાં તૈનાત હતી. દરમિયાન જાહેર રોડ પર મોટા અવાજે ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. પોલીસે ડીજે માલિક હિરેન ધીરજભાઈ ખારવાની પૂછપરછ કરતાં તેમની પાસે માત્ર રાત્રે 10 વાગ્યા સુધીની જ પરમિશન હોવાનું સામે આવ્યું હતું. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ડીજે ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમને પણ ગુરુદ્વારા સર્કલ પાસે ખોડિયાર પ્રોવિઝન સ્ટોર સામે રાત્રે 12 વાગ્યે મોટેથી ડીજે વાગી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સ્થળ પર તપાસ કરતાં અવાજની માત્ર વધુ હતી. જેથી મંગલદીપ યુવક મંડળના આયોજક હરેન્દ્રસિંહ રાઠોડ, ડીજે ઓપરેટર જૈમિન રાજપૂત અને ડીજે સિસ્ટમના માલિક યોગેશસિંહ પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


