- સારા પગારની નોકરીનું વચન આપી રકમ લીધી, વધુ પૈસા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપી
આજકાલ વિદેશમાં નોકરી માટેનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે વિદેશ મોકલવાના નામે અનેક ઠગાઈના કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક બનાવમાં સ્પેનમાં સારી નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી વડોદરા તથા આણંદના શખ્સો સહિત ચાર લોકોએ ફરિયાદી સાથે રૂપિયા 9.50 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનવામાં સિનિયર સિટીઝન અને વેપારનો ધંધો કરતા અને સમા વિસ્તારમાં રહેતા બળવંતસિંહ પરમારે નોંધાવેલ ફરિયાદ અનુસાર, શૈલેષભાઈ પરમાર (રહે. અવધ ફ્લેટ, છાણી, વડોદરા શહેર), દિનેશભાઈ પટેલ (રહે. કણઝટ, તા. ખંભાત, જી. આણંદ), ઇમ્તિયાઝ યુનુસભાઈ વોરા (રહે. તા. ખંભાત, જી. આણંદ) અને મુંબઈના કેપ્ટન નામના ઇસમ દ્વારા ફરિયાદી સાથે પાકો વિશ્વાસ અને ભરોસો કેળવવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓએ ભેગા મળીને સ્પેન ખાતે સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપી હતી અને વર્ક પરમિટ વિઝા અપાવવાનું બહાનું ધર્યું હતું.
આરોપીઓએ વિઝા, ટિકિટ તેમજ સ્પેન ખાતે નોકરી અપાવવાના નામે પીડિત પાસેથી કુલ રૂપિયા 9,50,000 પડાવી લીધા હતા. જો કે, વર્ક પરમિટ વિઝા આપવાના બદલે તેમને વિઝિટર વિઝા આપીને સ્પેન ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને નાણાં નહીં આપવાની સ્થિતિમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ગંભીર છેતરપિડી તથા વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.


