- નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં ઘરે-ઘરે પહોંચી કાર્યવાહી, કપાયેલા કનેક્શન સામે 29.88 લાખનું બાકી બિલ
- બે દિવસમાં 35 ગ્રાહકો પાસેથી રકમ વસૂલાઈ, આગામી દિવસોમાં ઝુંબેશ ચાલુ રહેશે
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાંબા સમયથી પોતાના ગેસના બાકી બિલની ચુકવણી ન કરનારા વિતરણ ગ્રાહકો સામે આકરા પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રિકવરી ઝુંબેશને વધુ ઝડપી બનાવવા માટે પોલીસ કાફલાને સાથે રાખીને સરપ્રાઇઝ ચેકિંગ અને વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ ખાસ ઝુંબેશ હેઠળ વડોદરા ગેસ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો કાફલો નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં અચાનક આવી પહોંચ્યો હતો અને કડકાઇથી વસૂલાત હાથ ધરી હતી. રિકવરી ટુકડીએ બાકીદારોના ઘરે-ઘરે પહોંચીને ગેસ બિલની બાકી નીકળતી રકમ તાત્કાલિક ચૂકવી દેવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તંત્રની અણધારી અને કડક કામગીરીના કારણે વિસ્તારના લાંબા સમયથી બાકીદારોમાં ફાફડાટ અને ખળભળાટ વ્યાપી ગયો હતો.
![]()
કારેલીબાગ પોલીસ મથકની હદમાં તા. 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન કુલ 81 જેટલા ગેસ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. આ પૈકી 35 કનેક્શનમાં કુલ રૂ. 3,97,425ની રકમની રિકવરી કરવામાં આવી હતી, જ્યારે બાકી બિલની ચુકવણી ન કરનારા 46 કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ 46 કનેક્શન સામે કુલ રૂ. 29,88,200ની બાકી રકમ હોવાનું સામે આવ્યું હતું.
વસૂલાતની કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક ગ્રાહકોએ આર્થિક મંદી અને નાણાકીય સમસ્યાઓનું કારણ રજૂ કરીને પોતાની રજૂઆતો કરી હતી. કંપનીના અધિકારીઓએ ગ્રાહકોની સ્થિતિ અને રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી અને બાકી લેણાંની ચુકવણી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ ગ્રાહકોને કડક ચેતવણી આપવાની સાથે રાહતની તક પણ આપી હતી. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે ગ્રાહકો વહેલી તકે પોતાના બાકી લેણાંની ચુકવણી કરશે તેમને દંડની રકમમાં રાહત આપવામાં આવશે. આ ઉપરાંત લોક અદાલતમાં હાજર રહીને જૂના બિલ અંગે કાનૂની અને આર્થિક સમાધાન મેળવવાની તક પણ આપવામાં આવી રહી છે.
તા. 09/09/2026ના રોજ રિકવરી ઝુંબેશ દરમિયાન કુલ 43 કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી 18 કનેક્શનમાં કુલ રૂ. 2,13,806ની રિકવરી કરવામાં આવી હતી, જ્યારે 25 કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ કનેક્શન સામે કુલ રૂ. 16,24,473ની બાકી રકમ હતી. ત્યારબાદ તા. 10/09/2026ના રોજ કુલ 38 કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 17 કનેક્શનમાં કુલ રૂ. 1,83,619ની રિકવરી કરવામાં આવી હતી અને 21 કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ કનેક્શન સામે કુલ રૂ. 13,63,727ની બાકી રકમ હતી. આમ, બંને દિવસની સંયુક્ત કામગીરીમાં કુલ 81 કનેક્શન ચકાસી 35 કનેક્શનમાં રૂ. 3,97,425ની રિકવરી કરવામાં આવી હતી અને 46 કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. કાપી નાખવામાં આવેલા કનેક્શન સામે કુલ રૂ. 29,88,200ની બાકી રકમ હતી.
વડોદરા ગેસ લિમિટેડે સ્પષ્ટ કર્યું છે કે બાકી બિલની વસૂલાત માટેની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં યથાવત્ રાખવામાં આવશે.


