જેબીએક્સવન ફેક એપથી 127 ટકા નફાની લાલચ આપી વડોદરાના વ્યક્તિ પાસેથી 4.49 લાખ પડાવ્યા

ઓનલાઈન ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ

MailVadodara.com - A-Vadodara-resident-was-swindled-out-of-4-49-lakh-through-the-JBX1-fake-app-lured-by-the-promise-of-127-percent-profit

- SEBI મંજૂરીના બનાવટી દસ્તાવેજો વોટ્સએપ પર મોકલ્યા, જુદા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી

- બનાવટી કંપનીની ઓળખથી વિશ્વાસમાં લીધો, ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા

સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે ઓનલાઈન ટ્રેડિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ચૂનો ચોપડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ પૂર્વાયોજિત કાવતરું રચીને એક વ્યક્તિ સાથે રૂપિયા 4.49 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી છે.

આ સમગ્ર ગુનાની વિગતો મુજબ, આરોપીઓએ એકબીજાની મદદગારીથી પૂર્વાયોજિત કાવતરું રચીને ફરિયાદીને એક લિંક મોકલી હતી. આ લિંકના માધ્યમથી ફરિયાદીના ફોનમાં 'જેબીએક્સવન' (GBXon) નામની ખોટી અને બનાવટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ એપમાં ફરિયાદીના નામનું રજીસ્ટ્રેશન કરાવીને તેમને અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.

ફરિયાદી સાથે છેતરપિંડી કરવા માટે આરોપીઓએ સેબી (SEBI) દ્વારા મંજૂરી હોવાનું દર્શાવતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તેમજ સર્ટિફિકેટ્સ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપીને અને કંપનીના દસ્તાવેજોનો અનધિકૃત દુરુપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. એટલું જ નહીં, ફરિયાદી દ્વારા રોકાણ કરવામાં આવનાર રકમ પર 127 ટકા જેટલું પ્રોફિટ આપવાનો લાલચુ વાયદો પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રકારના પ્રલોભનો અને ખોટા વાયદાઓની જાળમાં ફસાઈને ફરિયાદીએ ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન માધ્યમથી જુદા જુદા બેંક એકાઉન્ટ્સમાં ટુકડે-ટુકડે નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓએ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ રૂ.4,49,000 પડાવી લઈને છેતરપિંડી આચરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

Share :

Leave a Comments