- 45 ટન શિરો અને 10 હજાર કિલો કેળાના પ્રસાદનું વિતરણ કરાશે,
- વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈને યાત્રા બગીખાના ખાતે પૂર્ણ થશે
- મેયર સહિતના મહાનુભાવો પહિંદ વિધિ કરશે
અષાઢ સુદ બીજના પાવન અવસરે ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા જગન્નાથની 45મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે 2.30 વાગ્યે શરૂ થનારી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 10 કિલો કેળા અને 45 ટન શીરાના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તેમજ સાંજે ભંડારા મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વભરમાં દર વર્ષે ઇસ્કોન દ્વારા એક હજારથી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉત્સાહભેર આ મહોત્સવમાં જોડાય છે અને શહેરવાસીઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે. જગન્નાથ પુરીની પરંપરા મુજબ ભગવાન જગન્નાથના રથની પહિંદ વિધિ કરવામાં આવે છે. આ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો રથયાત્રાના પ્રારંભ પહેલાં પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરશે.
રથયાત્રાનો પ્રારંભ બપોરે 230 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે. આ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો, શુભેચ્છકો, હરિભક્તો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પણ હજારો ભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે.
રથયાત્રા દરમિયાન ઇસ્કોન વડોદરાના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રથની પાછળ પાંચ ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ 45,000 કિલોગ્રામ (45 ટન) શીરો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ હજારો ભાવિકો લેશે.
રથયાત્રાનો માર્ગ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ (ન્યાય મંદિર), મદનઝાંપા રોડ, કેવડાબાગ અને પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ સુધી રહેશે. રથયાત્રા અંદાજે સાંજે 8 વાગ્યે બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે.
આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે છોડના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે. જ્યારે ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજે 530 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસ્કોન વડોદરાએ તમામ શ્રદ્ધાળુઓ અને નગરજનોને આ ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવમાં મોટી સંખ્યામાં સહભાગી બની ભગવાન શ્રી જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.


