ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ વર્કર અને એક્ટિવિસ્ટ બની લોકો સાથે છેતરપિંડી કરતો નકલી પત્રકાર ઝડપાયો

પોલીસને ફોન કરીને પોતે યુનિયન લીડર અને પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી રોફ ઝાડતો હતો

MailVadodara.com - Fake-journalist-caught-for-defrauding-people-by-posing-as-a-social-worker-and-activist-on-Instagram

- ઇન્સ્ટાગ્રામ પર નકલી આઇડી બનાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો

- ખોટી ઓળખ આપી પોલીસ પર રુઆબ જમાવતો હતો, પાણીગેટ પોલીસમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

વડોદરા શહેરની પાણીગેટ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર નકલી પત્રકાર, સોશિયલ વર્કર અને એક્ટિવિસ્ટ બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા તેમજ જનતાને ઉશ્કેરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસને પણ ફોન પર ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી લોકોને પોલીસ સ્ટેશને એકઠા થવા ઉશ્કેર્યા હતા. આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગત 12 જુલાઈ, 2026ની રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વારસિયા રીંગ રોડ પર રહેતા આરોપી કરણ સુરેશ જસવાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાને 'સોશિયલ વર્કર', 'એક્ટિવિસ્ટ' અને 'ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ' તરીકે દર્શાવતું નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક આઇડી દ્વારા તે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપીને લોકોમાં પબ્લિસિટી મેળવતો અને તેમની સાથે છેતરપિંડી આચરતો હતો.

આરોપીએ માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ પોલીસ તંત્રને પણ ફોન કરીને પોતે યુનિયન લીડર અને પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી રુઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં લોકોને કાયદો હાથમાં લેવા અને મોટી સંખ્યામાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થવા માટે ખુલ્લું આહવાન આપ્યું હતું.

સોશિયલ મીડિયા પર કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી પ્રવૃત્તિ સામે આવતા જ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની સૂચના હેઠળ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવા અને જનતાને ઉશ્કેરવા બદલ વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી કરણ જસવાણીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments