વડોદરા સહિત 9 જિલ્લાઓમાંથી 21 ટુ-વ્હીલર ચોરી કરનાર રીઢો વાહનચોર અને ગેરેજ સંચાલકની ધરપકડ

રીઢો વાહનચોર રાજ્યભરમાં ચોરી કરી અમદાવાદમાં ગેરેજ સંચાલકને વેચી દેતો હતો

MailVadodara.com - Habitual-vehicle-thief-and-garage-operator-arrested-for-stealing-21-two-wheelers-across-nine-districts-including-Vadodara

- ખાસવાડી સ્મશાન રોડ નજીક ચોરીની એક્ટિવા વેચવાની ફિરાકમાં ઉભેલા મુનાવરહુસેન ઉર્ફે મુનાફભાઈ ઉર્ફે છોટુભાઈ શેખ (ઉં.વ. 63, રહે. જમાલપુર, અમદાવાદ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

- આરોપીએ ચોરી કરેલા વાહનોમાંથી 3 એક્ટિવા પોતાના ઉપયોગ માટે રાખી બાકીના વાહનો અમદાવાદના ગેરેજ સંચાલક ઇમરાન શેખને માત્ર રૂા.4થી 5 હજારમાં વેચી દીધા હતા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના ગુનાઓ સામે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 21 ટુ-વ્હીલર વાહનોની ચોરી કરનાર એક રીઢા આંતરજિલ્લા વાહનચોર અને ચોરીના વાહનો ખરીદી તેના સ્પેરપાર્ટ્સ વેચતા તેના સાગરીત (ગેરેજ સંચાલક) ને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.3.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરના હાઇવે, રેલવે સ્ટેશન અને છેવાડાના વિસ્તારોમાં એક્ટિવા ચોરીના બનાવો વધ્યા હતા. પોલીસે 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એક શંકાસ્પદ આધેડની ઓળખ કરી હતી. ખાસવાડી સ્મશાન રોડ નજીક ચોરીની એક્ટિવા વેચવાની ફિરાકમાં ઉભેલા મુનાવરહુસેન ઉર્ફે મુનાફભાઈ ઉર્ફે છોટુભાઈ મહેમુદમિયાં શેખ (ઉં.વ. 63, રહે. જમાલપુર, અમદાવાદ) ને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ વાહનો લોક ખોલવા માટે રાખેલી 7 ડુપ્લિકેટ ચાવીઓ કબજે કરી હતી. તેની પાસેની એક્ટિવા ભરૂચમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

21 ટુ-વ્હીલર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, રાજ્યભરમાં ચોરી કરીને વાહનો  અમદાવાદ લઈ જઈ ગેરેજ સંચાલકને ઓછી કિંમતે વેચી દેતો

આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે છેલ્લા 7 થી 8 મહિનામાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, પેટલાદ, પાટણ, ચાણસ્મા, બાવળા, મહેસાણા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાંથી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન નજીક પાર્ક કરાયેલા 21થી વધુ ટુ-વ્હીલર વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આરોપી અગાઉ પણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહનચોરીના 16 તથા જુગારના એક ગુના મળી કુલ 17 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ પ્રવૃત્તિ શરૂ કરી હતી.

મુનાવરહુસેને ચોરી કરેલા વાહનોમાંથી 3 એક્ટિવા પોતાના ઉપયોગ માટે રાખી હતી, જ્યારે બાકીના વાહનો અમદાવાદના દરીયાપુર વિસ્તારમાં ગેરેજ ચલાવતા ઇમરાન અબ્બાસભાઈ શેખ (ઉં. 40) ને માત્ર રૂ.4,000 થી 5,000 માં વેચી દીધા હતા. પોલીસે ઇમરાનની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના વાહનો અને સ્પેરપાર્ટ્સ જપ્ત કર્યા છે. પોલીસે કબજે કરેલા વાહનોમાં હોન્ડા એક્ટિવા 10, ટીવીએસ જ્યુપિટર 1, પેશન પ્રો મોટરસાયકલ 1 અને તોડી પાડેલી એક્ટિવાના એન્જિન 3 મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ.3,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મુખ્ય આરોપી મુનાવરહુસેન અમદાવાદથી બસ કે ટ્રેન મારફતે અલગ-અલગ શહેરોમાં જતો અને સ્ટેશન બહાર પાર્ક થયેલા વાહનોને ડુપ્લિકેટ ચાવીથી ખોલીને ચોરી કરતો હતો. સીસીટીવી કેમેરામાં ઓળખ ન થાય તે માટે તે ચોરી કરતી વખતે અને વાહન ચલાવતી વખતે ચહેરા પર રૂમાલ બાંધી રાખતો હતો.

અમદાવાદ લાવ્યા બાદ ગેરેજ સંચાલક ઇમરાન શેખ આ ચોરીના વાહનોના સ્પેરપાર્ટ્સ અલગ-અલગ કરીને ભંગાર કે છૂટક બજારમાં વેચી ગેરકાયદે નફો કમાતો હતો. આ સફળ ઓપરેશનથી વડોદરાના સમા, હરણી, ફતેગંજ, છાણી અને અકોટા પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય ૬ જિલ્લાના વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Share :

Leave a Comments