- મહિલા એક્ટિવા પર પોતાના બાળકને સ્કૂલે મૂકવા જતા હતા
- લકુલેશ નગરમાં પાણી અને કાદવથી ખદબદતા રસ્તા પરથી પસાર થતી વખતે એક્ટિવા સ્લિપ થતાં મહિલા કંઈ સમજે તે પહેલાં જ તેનું બાળક ફંગોળાઈને દીવાલ સાથે અથડાયું હતું
વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ બાદ આંતરિક માર્ગો બિસ્માર બન્યા છે, જેના કારણે વાહનચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરના આજવા રોડ પર કાદવ-કીચડના કારણે એક મહિલાએ એક્ટિવા પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા સ્લિપ થતાં જ પાછળ બેસેલું બાળક ફંગોળાઈને સીધું દીવાલ સાથે અથડાયું હતું, જ્યારે મહિલા 15 ફૂટ દુર જઈને કીચડમાં પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજ અનુસાર, આ ચોંકાવનારી ઘટના આજવા રોડ વિસ્તારમાં આવેલ લકુલેશ નગરના છે. એક મહિલા પોતાના બાળકને એક્ટિવા પર સ્કૂલે મૂકવા જઈ રહી હતી. લકુલેશ નગરમાં પાણી અને કાદવથી ખદબદતા રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું. મહિલા કંઈ સમજે તે પહેલાં જ તેનું બાળક ફંગોળાઈને સીધું દીવાલ સાથે અથડાયું હતું અને મહિલા પણ એક્ટિવા સાથે રસ્તા પર પટકાઈ હતી.
ચોમાસાની શરૂઆતમાં જ વડોદરા કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. મુખ્ય માર્ગો સિવાય સોસાયટીઓના આંતરિક રસ્તાઓ કાદવ-કીચડ અને ખાડાઓને કારણે જોખમી બન્યા છે. આ અકસ્માત વાલીઓ અને વાહનચાલકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. ખાસ કરીને નાના બાળકો સાથે મુસાફરી કરતી વખતે આવા કાદવ અને પાણીવાળા માર્ગો પર વાહનની ગતિ ધીમી રાખવી અને ઉતાવળ ન કરવી જોઈએ.


