- બંને બનાવોને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વડોદરા શહેરમાં ગત(13 જુલાઈ) રાત્રે બે અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતના બનાવો સામે આવ્યા હતા. કમાટીબાગ વિસ્તાર અને VIP રોડ પર થયેલા અકસ્માતોમાં કુલ ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. બંને બનાવોને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રથમ બનાવ કમાટીબાગ નજીક ગત રાત્રે બન્યો હતો, જ્યાં બે ટુ-વ્હીલર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજો અકસ્માત વડોદરા શહેરના VIP રોડ પર બન્યો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોની મદદથી બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


