- ડીજે સાઉન્ડ સિસ્ટમ વાળા વાહનો, જીએસઆરટીસી (GSRTC) એસ.ટી. બસો તેમજ તમામ પ્રકારના માલવાહક અને ભારદારી વાહનો માટે ખાસ ડાયવર્ઝન નક્કી કરાયાં
વડોદરા શહેરમાં ગત 12 ઓગસ્ટના રોજ દશામાના વ્રત નિમિત્તે માતાજીની મૂર્તિઓની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસના પાવન વ્રતની પૂર્ણાહુતિ બાદ આગામી 21 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યાથી 22 ઓગસ્ટની વહેલી સવાર સુધી શહેરના વિવિધ કૃત્રિમ તેમજ કુદરતી તળાવોમાં દશામાની મૂર્તિઓનું ભવ્ય વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને મહિલાઓ ડીજેના તાલે શોભાયાત્રા સ્વરૂપે વિસર્જન માટે નીકળવાના હોવાથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેર હિત અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે 21 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી લઈને 22 ઓગસ્ટની વહેલી સવાર સુધી અથવા મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. શહેરના હરણી સ્કલ્પચર પાર્ક તળાવ, કિશનવાડી કૃત્રિમ તળાવ, લેપ્રેસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ, માંજલપુર કૃત્રિમ તળાવ, તરસાલી સર્કલ કૃત્રિમ તળાવ, મકરપુરા ગામ શાહી મસ્જિદ પાસેનું કૃત્રિમ તળાવ, બીલ મઢી સ્મશાન સામેનું કૃત્રિમ તળાવ તથા ગોરવા દશામા મંદિર તળાવ સહિતના સ્થળોએ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વિસર્જન યાત્રાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ ન સર્જાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા નો-એન્ટ્રી ઝોન અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ડીજે સાઉન્ડ સિસ્ટમ વાળા વાહનો, જીએસઆરટીસી (GSRTC) એસ.ટી. બસો તેમજ તમામ પ્રકારના માલવાહક અને ભારદારી વાહનો માટે ખાસ ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યા છે. શહેર પોલીસે તમામ નાગરિકોને નિયત વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને ફરજ પર તૈનાત પોલીસ સ્ટાફને પૂર્ણ સહકાર આપવા નમ્ર અપીલ કરી છે.









