પરશુરામ ભઠ્ઠા નજીક રેલવે ટ્રેક ઓળંગી રહેલા આધેડનું સુરત-વડોદરા મેમુ ટ્રેનની અડફેટે મોત

અકસ્માત સર્જાતાં જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવી રેલવે પોલીસ મથકે જાણ કરી

MailVadodara.com - Middle-aged-man-dies-after-being-hit-by-Surat-Vadodara-MEMU-train-while-crossing-railway-tracks-near-Parshuram-Bhattha

- રોજિંદા ક્રમ મુજબ જય ભવાનીનગરમાં રહેતા 57 વર્ષીય નરેન્દ્રભાઈ પટેલ પરશુરામ ભઠ્ઠા નજીકથી પસાર થતા રેલવે ટ્રેક આસપાસ ચાલવા નીકળ્યા હતા, પરિવાજનોમાં શોકનું મોજું


વડોદરાના પરશુરામ ભઠ્ઠા વિસ્તાર નજીક સાંજના સમયે રેલવે ટ્રેક ઓળંગી રહેલા આધેડનું સુરત-વડોદરા મેમુ ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. જય ભવાનીનગરમાં રહેતા નરેન્દ્રભાઈ પટેલ નામના આધેડના મોતથી પરિવાજનોમાં શોક વ્યાપી ગયો છે. ઘટના અંગે જાણ થતાં જ રેલવે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.


મૃતકની ઓળખ વડોદરાના જય ભવાનીનગર ખાતે પરિવાર સાથે રહેતા 57 વર્ષીય નરેન્દ્રભાઈ ખોડાભાઈ પટેલ તરીકે થઈ છે. રોજિંદા ક્રમ મુજબ નરેન્દ્રભાઈ પરશુરામ ભઠ્ઠા નજીકથી પસાર થતા રેલવે ટ્રેક આસપાસ ચાલવા નીકળ્યા હતા. તે દરમિયાન ટ્રેક ઓળંગતી વખતે પૂરઝડપે આવી પહોંચેલી સુરત-વડોદરા લોકલ મેમુ ટ્રેનની ઝપેટમાં આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

અકસ્માત સર્જાતાં જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત વડોદરા રેલવે પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી મૃતકની તલાશી લેતાં ઓળખ છતી થઈ હતી, જેના આધારે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments