- એલોપેથી દવા અને ઈન્જેક્શન સહિત તબીબી સાધનો મળ્યા
- મૂળ પશ્ચિમ બંગાળનો અસીમ સંખારી અગાઉ 2023માં પોલીસના હાથે ઝડપાયો હતો છતાં પ્રેક્ટિસ ચાલુ રાખી હતી
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુરામાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઈસન્સ વગર પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે ચેડાં કરતા એક બોગસ તબીબને વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા નકલી ડોક્ટર પાસેથી એલોપેથી દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો મળી 87,071નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બોગસ ડોક્ટર ધોરણ 12 પાસ છે, અને અગાઉ પણ પોલીસે ઝડપ્યો હતો અને ફરી પ્રેક્ટિસ કરી હતી. હાલમાં પોલીસે આ બોગસ તબીબની વધુ પૂછપરછ હાથ ધરી છે.

SOG પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રાયપુરા ગામમાં એક શખ્સ ડિગ્રી વિના ક્લિનિક ચલાવી બીમાર દર્દીઓની એલોપેથીક સારવાર કરે છે. બાતમીના આધારે SOG ની ટીમે રાયપુરા PHCના જવાબદાર મેડિકલ અધિકારીને સાથે રાખીને દરોડો પાડ્યો હતો, જ્યાં આરોપી કોઈ પણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની તપાસ અને સારવાર કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ આરોપી છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસ કરે છે. આ બોગસ તબીબ વર્ષ 2023માં પણ ઝડપાયેલા હતો. આ આરોપી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ આરોપીએ અગાઉ યુપી અને પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને બાદમાં પોતે દવાખાનું શરૂ કર્યું હતું.
પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું સાધન, ઇન્જેક્શન અને એલોપેથી દવાઓનો જથ્થો કબજે કર્યો છે. આ મામલે મૂળ પશ્ચિમ બંગાળના નોર્થ બાનેસર પોસ્ટ ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના વતની અને હાલ રાયપુરાના શામળ ફળીયામાં રહેતા (48 વર્ષીય) અસીમ બીમલ સંખારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


