- દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બે ઇસમોમાં એક ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય વિક્રમભાઈ ચુડાસમા અને બુટલેગર ભાગીદાર મિત્ર વિક્રમ વલ્લભ ઢાપાની પણ ધરપકડ કરી
ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલ માટે પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનની ટીમે ફાજલપુર ટોલનાકા પાસેથી લાલ રંગની ક્રેટા કારમાંથી અંદાજે 4.60 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બે ઇસમોમાં એક ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય વિક્રમભાઈ ચુડાસમા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે પોલીસે તેના બુટલેગર ભાગીદાર મિત્ર વિક્રમ વલ્લભ ઢાપાની પણ ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોવાથી નંદેસરી પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરત તરફથી આવી ફાજલપુર ટોલનાકા પરથી બહાર નીકળી રહેલી લાલ રંગની ક્રેટા કાર નંબર પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના થેલાઓમાં પેક કરેલો વિદેશી દારૂનો કુલ 2112 ક્વાર્ટરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાની અંદાજિત કિંમત 4.60 લાખ રૂપિયા છે. પોલીસે કારમાં સવાર બંને ઇસમોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન કારચાલક સંજય વિક્રમભાઈ ચુડાસમા ગોધરાના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવતા પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમાએ વિદેશી દારૂનો જથ્થો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રહેતા સલીમ અહેમદ પાસેથી મેળવ્યો હતો. ત્યારબાદ આ દારૂના જથ્થાનું વેચાણ તેના ભાગીદાર બુટલેગર મિત્ર વિક્રમ વલ્લભ ઢાપા દ્વારા કરવામાં આવતું હતું. સમગ્ર હેરાફેરીમાં હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમાની પણ ભાગીદારી હતી.
નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી. જાડેજાની આગેવાની હેઠળની ટીમે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે બંને આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ તથા સમગ્ર નેટવર્ક અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની જ વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ થતાં વડોદરા વેસ્ટર્ન રેલવે પોલીસથી લઈને ગોધરા રેલવે પોલીસ તંત્રમાં પણ ભારે ચકચાર મચી છે.


