ઘરકામ કરતી મહિલાને મકાન રહેવા આપવાની અદાવતે આધેડ પર પતિ સહિત પાંચ શખ્સોનો જીવલેણ હુમલો

કારેલીબાગ હરણી રોડ સ્થિત જાગૃતિ સોસાયટીમાં રહેતા સ્નેહલભાઇ પટેલે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Middle-aged-person-subjected-to-a-life-threatening-attack-by-five-individuals-including-a-husband-over-a-dispute-regarding-providing-housing-to-a-domestic-worker

- માથા અને હાથ પર ડંડાથી ગંભીર ઈજા થઈ, પડોશીઓએ વચ્ચે પડી વધુ મારથી બચાવ્યા

- ઇજા થતાં સારવાર માટે ICUમાં ખસેડાયા, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા આધેડ પર તેમના ઘરે કામ કરતી પરિચિત મહિલાને રહેવા માટે મકાન આપવાની અદાવત રાખી મહિલાના પતિ અને તેના સંબંધીઓએ ભેગા મળી લાકડાના ડંડા તેમજ ગડદાપાટુનો ઢોરમાર મારી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મારામારીની ઘટના CCTV કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


કારેલીબાગ હરણી રોડ સ્થિત જાગૃતિ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા સ્નેહલભાઈ બળદેવભાઈ પટેલના ઘરે છેલ્લા સાતેક વર્ષથી આરતીબેન પૂનમભાઈ માછી ઘરકામ કરે છે. આરતીબેનને તેમના પતિ સાથે કૌટુંબિક કારણોસર છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી તેઓ પિયર રહેતા હતા. જેથી ફરિયાદીએ માનવતાના ધોરણે દસેક દિવસ અગાઉ સંગમ ચાર રસ્તા નજીક ત્રિવેણી સોસાયટીમાં આવેલું પોતાનું મકાન આરતીબેનને રહેવા માટે આપ્યું હતું.

ગત 21 ઓગસ્ટની રાત્રે આરતીબેનના નાના દીકરાને તાવ આવતો હોવાનો ફોન આવતા ફરિયાદી મદદ માટે તેમની સાથે ત્રિવેણી સોસાયટી ખાતે ગયા હતા. ત્યાં બાળકની ખબરઅંતર પૂછી ફ્રૂટ આપીને ફરિયાદી પરત નીકળતા હતા, તે દરમિયાન આરતીબેનનો પતિ પૂનમ માછી ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે મારી પત્નીને તારું ઘર કેમ રહેવા આપ્યું? કહી આરતીબેન સાથે મારામારી શરૂ કરી હતી. ફરિયાદી વચ્ચે છોડાવવા પડતાં પૂનમ માછી, રાજ માછી અને પરેશ માછીએ ગાળાગાળી કરી ફરિયાદીને માર માર્યો હતો, જ્યારે કિરણ માછીએ લાકડાના ડંડા વડે તેમના માથા અને હાથ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રિતેશ માછી પણ સામેલ હતો.

બનાવ દરમિયાન આસપાસના પડોશીએ વચ્ચે પડી સ્નેહલભાઈને વધુ મારથી બચાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સારવાર હેઠળ રહેલા સ્નેહલભાઈ પટેલે ભાનમાં આવ્યા બાદ પૂનમ માછી, રાજ માછી, પરેશ માછી, કિરણ માછી અને રિતેશ માછી વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments