અમેરિકા અભ્યાસના નામે વિઝા એજન્ટોએ અમદાવાદની યુવતી પાસેથી 23 લાખ પડાવ્યા

M-1 ફ્લાઇટ ટ્રેનિંગ વિઝાના નામે યુવતી સાથે છેતરપિંડી, નવાપુરા પોલીસમાં 4 સામે ફરિયાદ

MailVadodara.com - Visa-agents-swindled-23-lakh-from-an-Ahmedabad-woman-under-the-pretext-of-studies-in-the-US

- વિઝાનો ખોટો સ્ટેમ્પ લગાવ્યો, ફ્લાઇટ ટિકિટો કઢાવી એરપોર્ટથી પરત બોલાવી

- મુંબઈ-ચેન્નઈમાં બાયોમેટ્રિક અને ઈન્ટરવ્યૂ કરાવ્યા, અન્ય એજન્ટ પાસે ખરાઈ કરતાં વિઝા ખોટા હોવાનું ખુલ્યું

અમદાવાદની યુવતીને અમેરિકા અભ્યાસ માટે મોકલવાની લાલચ આપી વિઝા એજન્ટો દ્વારા F-1 સ્ટુડન્ટ વિઝા ન મળતા M-1 ફ્લાઇટ ટ્રેનિંગ વિઝા અપાવવાની વાત કરી હતી અને આરોપીઓએ અલગ-અલગ ફી, સર્વિસ ચાર્જ અને ટ્રેનિંગ ફીના નામે 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ પાસપોર્ટ પર અમેરિકાના પાંચ વર્ષના M-1 વિઝાનો ખોટો સ્ટેમ્પ લગાવી તેને સાચો વિઝા હોવાનું કહીને વિવિધ તારીખોની ફ્લાઇટ ટિકિટો પણ કઢાવી આપી હતી. કોઈ વિઝા ન બનાવી આપી એજન્ટોએ ઠગાઈ આચરી હતી. યુવતીએ આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ ખાતે રહેતા અમીષાબેન રૂપાણીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રેમલતાબેન, રિધ્ધિ જોષી, શુભમ દેસાઈ અને વિશાલ ગાંધી સહિતના શખ્સોએ યુવતીને વિઝા પ્રક્રિયા, બાયોમેટ્રિક, ઈન્ટરવ્યૂ અને ઈમિગ્રેશનના નામે અલગ-અલગ રકમ ચૂકવવા જણાવ્યું હતું. યુવતીએ વડોદરા ખાતેની ઓફિસમાં જઈને પણ નાણાંની ચુકવણી કરી હતી.

આ ઉપરાંત આરોપીઓએ બાદમાં પાસપોર્ટ પર અમેરિકાના વિઝાનો ફોટો મોકલી બાકીની રકમ ચૂકવવા દબાણ કર્યું હતું. જોકે, અમેરિકા જવા માટેની અલગ-અલગ ફ્લાઇટની ટિકિટો કઢાવ્યા બાદ તેને એરપોર્ટ પરથી પરત બોલાવી હતી. પછી આરોપીઓએ સિંગાપોર થઈને અમેરિકા જવાની વાત કરી હતી.

આખરે યુવતીને વિઝા અંગે શંકા જતા અન્ય વિઝા એજન્ટનો સંપર્ક કરતાં કથિત વિઝા ખોટા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ એકબીજાની મદદગારી કરી કાવતરું રચી, ખોટા વિઝા તૈયાર કરી સાચા તરીકે ઉપયોગમાં લીધા અને વિઝા ફીના બહાને આશરે રૂ.23 લાખ મેળવી છેતરપિંડી કરી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે 4 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments