ખોડિયારનગરમાં દારૂના કટિંગ પર SMCનો દરોડો, 16,394 બોટલ સાથે રૂા.1 કરોડનો મુદ્દામાલ કબજે

ખોડિયારનગરમાં દારૂના કટિંગનો પર્દાફાશ, એસએમસીએ રૂ.84 લાખનો જથ્થો ઝડપ્યો

MailVadodara.com - SMC-raids-liquor-offloading-operation-in-Khodiyarnagar-seizes-16394-bottles-and-contraband-worth-1-crore

- પોલીસ પહોંચતા આરોપીઓ દીવાલ કૂદી ફરાર, ક્રાઇમ બ્રાન્ચે વાહન માલિકોની તપાસ શરૂ કરી

એસ.એમ.સી.એ ખોડિયારનગર વિસ્તારમાંથી ૮૪ લાખનો દારૂ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો આરોપીઓ સંતાડવા માટે અહીંયા આવ્યા હતા. તે અગાઉ જિલ્લામાં અન્ય સ્થળે દારૂનું કટિંગ કરીને ગાડી વડોદરામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. જે અંગે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના લઠ્ઠાકાંડ પછી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી થતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ - અલગ ટીમ બનાવી રાજ્યભરમાં તપાસ શરૂ કરાઇ હતી. એક ટીમ વડોદરા શહેર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. શહેર નજીક ધનિયાવી ચોકડી પાસે આવતા ટીમને બાતમીદાર થકી માહિતી મળી હતી કે,ખોડિયારનગર સફેદ વુડાના મકાન પાછળ આવેલા નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં લિસ્ટેડ બૂટલેગર નિલુ સિન્ધી માણસો દ્વારા દારૂનું કટિંગ કરાવે છે અને હાલમાં કટિંગ ચાલી રહ્યું છે. જેથી, ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી ત્યારે નિલકંઠ ફ્લેટના બી ટાવર નીચે પાર્કિંગમાં કેટલાક લોકો બંધ બોડીના પીકઅપ ડાલા તથા સુપર કેરી ટેમ્પામાંથી બોક્સ નીચે ઉતારી ટાવરની દીવાલ પાસે તથા ટાવરની સીડી નીચે ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા. પોલીસને જોઇને નાસભાગ થઇ જતા આરોપીઓ ફ્લેટની દીવાલ કૂદીને ભાગી ગયા હતા. 

પોલીસે સ્થળ પરથી દારૂની ૧૬,૩૯૪ બોટલ કિંમત રૂપિયા ૮૪.૦૧ લાખની કબજે કરી હતી. પોલીસે દારૂ તથા વાહનો મળીને કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા પછી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.એસ. ગોહિલે આ કેસમાં કબજે લીધેલા વાહનોના માલિક અને કબજેદારની વિગતો તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.  

Share :

Leave a Comments