- મશીન કલાકે 18,500 ચોરસ મીટર સફાઈ કરશે, ઓપરેશન અને જાળવણીનો ખર્ચ ઇનોર્બિટ મોલ ઉઠાવશે, જૂના સ્વીપિંગ મશીનો બદલવાની કામગીરી ચાલુ મ્યુ. કમિશનર
વડોદરા શહેરની સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશથી 'યશલોક વેલ્ફેર ફાઉન્ડેશન' અને 'ઇનોર્બિટ મોલ' દ્વારા સીએસઆર (CSR) પ્રવૃત્તિ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ને એક ફુલ્લી ઓટોમેટિક 2 ક્યુબિક મીટરનું મીની ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન સોંપવામાં આવ્યું છે.
વેક્યુમ-આધારિત આ મશીન પ્રતિ કલાક આશરે 18,500 ચોરસ મીટર રોડની સફાઈ કરવાની ક્ષમતા ધરાવે છે. મશીનમાં 2,000 લીટર ધૂળ એકત્ર કરવાની ક્ષમતા છે. મશીન એક સેન્ટર બ્રશ, બે સાઈડ બ્રશ અને ઇનબિલ્ટ જીપીએસ (GPS) ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. મુખ્ય મ્યુનિસિપલ રોડ, સર્વિસ લેન, સાંકડી ગલીઓ અને જાહેર પાર્કિંગ વિસ્તારોમાં સરળતાથી સફાઈ કરી શકાશે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં જૂના સ્વીપિંગ મશીનો બદલવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ સહયોગ અત્યંત ઉપયોગી સાબિત થશે. આ મશીનની કેપિટલ કોસ્ટ તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ પણ ઇનોર્બિટ મોલ દ્વારા જ ભોગવવામાં આવશે. અન્ય કોર્પોરેટ કંપનીઓએ પણ સફાઈ ઝુંબેશમાં જોડાવું જોઈએ. આ ઉપરાંત શહેરમાં ચાલી રહેલા મિશન 2.5 મિલિયન ટ્રીઝ અંતર્ગત મોલ પરિસરમાં મફત છોડ વિતરણ માટે જગ્યા આપવાની પણ મોલે ખાતરી આપી છે.
ઇનોર્બિટ મોલ હેડ રજત ભાર્ગવે જણાવ્યું હતું કે, વ્યવસાયિક કામગીરી ઉપરાંત જાહેર જનતાનું કલ્યાણ અને સ્વચ્છ-સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવું એ તેમની સીએસઆર નીતિનો મહત્વનો ભાગ છે.


