લારીચાલકે આધેડના માથામાં યુવકે પ્લાયવુડના પાટીયાથી છ ઘા ઝીંક્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ

માંજલપુર અલવાનાકા વિસ્તારમાં લારીનું પૈડું પગ પર ચડતાં આધેડે સંભાળીને ચલાવવાનું કહ્યું હતું

MailVadodara.com - A-young-man-struck-a-middle-aged-man-on-the-head-six-times-with-a-piece-of-plywood-a-police-complaint-has-been-filed

- શાકમાર્કેટથી પરત ફરતી વખતે ઘટના બની, લારી ચાલકે પ્લાયવુડના પાટીયા વડે માથામાં છ સેકન્ડમાં છ ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાગ્રસ્ત રવિન્દ્રભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા


વડોદરાના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં શાકભાજી ખરીદીને પરત ફરી રહેલા 50 વર્ષીય આધેડના પગ પર લારીનું પૈડું ચડી જતાં તેમણે સંભાળીને ચલાવવાનું કહ્યું હતું. આ બાબતે ઉશ્કેરાયેલા લારી ચાલકે મારી નાખવાના ઇરાદે પ્લાયવુડના પાટીયા વડે આધેડના માથામાં છ સેકન્ડમાં ઉપરાઉપરી છ ઘા ઝીંકી દીધા હતા. આધેડ છેલ્લા ઘામાં જમીન પર ઢળી પડ્યાં હતાં અને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના નિવેદનના આધારે પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.


માંજલપુર ભવાનીનગરમાં રહેતા અને પોર ખાતેની ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા રવિન્દ્રભાઈ હરીભાઈ ગાડે અલવાનાકા શાકમાર્કેટ ખાતેથી શાકભાજી ખરીદીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શનિદેવ મંદિરથી ભૈરવનગર તરફ જતા રોડ પર સામેથી આવી રહેલી એક હાથલારીનું પૈડું રવિન્દ્રભાઈના પગ પર ચડી ગયું હતું.


રવિન્દ્રભાઈએ લારી ચાલકને સંભાળીને લારી ચલાવવાનું કહેતાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ભૈરવનગરમાં રહેતા પ્રેમદાસ રૂપલાલ ગૌતમ નામના લારી ચાલકે ગાળો બોલી બોલાચાલી શરૂ કરી હતી. રવિન્દ્રભાઈ તેને શાંત પાડવા જતાં આવેશમાં આવેલા પ્રેમદાસે પ્લાયવુડના લાંબા પાટીયા વડે તેમના માથાના ભાગે છ ગંભીર ઘા ઝીંકી દીધા હતા.

હુમલામાં રવિન્દ્રભાઈ ગંભીર રીતે લોહીલુહાણ થતાં તેમના પુત્રના મિત્ર પિયુષ રાજપૂતે તેમને તાત્કાલિક બાઇક પર અલવાનાકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હોસ્પિટલમાં આધેડની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર લારી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments