- છેલ્લા એક મહિનાથી તેઓ પરિવાર સાથે ગામની સીમમાં આવેલા ખાબડિયા વિસ્તારમાં ખેતરમાં બનાવેલા કાચા મકાનમાં રહેતા હતા
વડોદરા તાલુકા પોલીસ સૂત્રો મુજબ રાયપુરા ગામના પરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ ગોહીલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા એક મહિનાથી તેઓ પરિવાર સાથે ગામની સીમમાં આવેલા ખાબડિયા વિસ્તારમાં ખેતરમાં બનાવેલા કાચા મકાનમાં રહેતા હતા. જેના કારણે પરા ગામના રહેણાંક મકાનને તાળું મારી બંધ રાખવામાં આવ્યું હતું.
ગત 31 મેના રોજ સાંજે નરેન્દ્રભાઈ પોતાના મકાન પર આવ્યા હતા અને જરૂરી કામકાજ પૂર્ણ કરી મકાનના મુખ્ય દરવાજા તેમજ અંદરના દરવાજાને તાળાં મારી પરત ખેતર પર ગયા હતા. ત્યારબાદ તેઓ ત્રણથી ચાર દિવસ સુધી મકાન પર આવ્યા ન હતા. દરમિયાન 4 જૂનના રોજ વહેલી સવારે ફળિયામાંથી ફોન આવ્યો હતો કે તેમના મકાનના તાળાં તૂટેલા છે. આ જાણ થતાં નરેન્દ્રભાઈ, તેમના પિતા તથા પરિવારના અન્ય સભ્યો તરત જ મકાન પર પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા મકાનના બહારના તેમજ અંદરના બંને દરવાજાના નકુચા તોડી તાળાં ખોલી નાખવામાં આવ્યા હતા. ઘરમાં પ્રવેશ કરતાં તિજોરી પણ તોડેલી હાલતમાં મળી આવી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડયો હતો અને ઘરમાંથી 4.40 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાનું જાણવા મળ્યું હતું.


