- મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે પોતાના વોર્ડમાં બંધ હાલતમાં પડેલા 16 જેટલા હેન્ડપંપ શરુ કરવા માટેની માગ કરી
- શહેરમાં પાણીનો કકળાટ છે ત્યારે આ હેન્ડપંપ પાણી મેળવવાનો સ્ત્રોત બની રહે તેમ છે, જો તેને રીપેર કરાવીને પુનઃ શરુ કરવામાં આવે તો લોકો વપરાશ માટે પાણીનો ઉપયોગ કરી શકે
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. જો કે વડોદરા શહેર સ્માર્ટ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તાર તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવું પડે છે કે શહેરના કેટલાક વિસ્તારમાં લોકોએ પીવાના અને વપરાશ માટેના પાણી માટે હેન્ડપમ્પનો ઉપયોગ કરવો પડે છે. એટલું જ નહીં વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરે તો પોતાના વોર્ડમાં બંધ પડેલા 16 જેટલા હેન્ડપંપ પુનઃ શરુ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.
વડોદરા શહેરના વોર્ડ 14ના કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પોતાના વોર્ડમાં બંધ હાલતમાં પડેલા હેન્ડપંપ શરુ કરવા માટેની માગ કરી છે. વોર્ડ 14માં 16 જેટલા હેન્ડપંપ બંધ હાલતમાં છે. હાલમાં શહેરમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ હેન્ડપંપ પાણી મેળવવાનો સ્ત્રોત બની રહે તેમ છે. જો તેને રીપેર કરાવીને પુનઃ શરુ કરવામાં આવે તો લોકો વપરાશ માટે આ પાણીનો ઉપયોગ કરી શકે છે.
વડોદરા શહેરના કેટલાક વિસ્તાર કે જ્યાં હજુ પણ હેન્ડપંપ કાર્યરત છે અને ચાલી શકે છે તેવા વિસ્તારોમાં લોકો તેનો જ ઉપયોગ કરી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે કેટલાક લોકો હેન્ડપંપની મદદથી વપરાશ માટેનું પાણી ઉપયોગમાં લઇ રહ્યા છે. કેટલાક લોકો કે જેઓ ખરીદીને પાણી નથી લઇ શકતા તેઓ આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી રહ્યા છે.
કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરીજનો સ્માર્ટ સિટીનો અનુભવ કરી જ નથી રહ્યા. સ્માર્ટ સિટી માત્ર કાગળો ઉપર રહી છે. અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ છે. જમીની હકીકત કઈ બીજી જ છે. કોંગ્રેસના જ વોર્ડ 14ના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરીજનોને આકરા ઉનાળામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે હેન્ડપંપ થકી લોકો પીવાનું શુદ્ધ પાણી તો મેળવી શકશે. અમારા વોર્ડમાં 16 હેન્ડપંપ છે જે બંધ હાલતમાં છે તે જો કાર્યરત થઇ જાય તો ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જાય તેમ છે.
વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. આજવા સરોવરની સપાટી 206 ફૂટથી નીચે જોવા મળી રહી છે ત્યારે આજવાથી અપાતું પાણી લોકોને પૂરતા દબાણ સાથે નથી મળી રહ્યું વળી ચોમાસુ પણ વિલંબ કરી રહ્યું છે જેના કારણે લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ના છૂટકે લોકોએ પાણી ખરીદીને લેવું પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આ સમસ્યા વધુ વિકટ ન બને તેવા પ્રયાસો તંત્રએ કરવા જોઈએ.


