જાંબુઆ બાયપાસ પાસે પ્લાયવુડના ગોડાઉન નજીક કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી,તંત્રમાં દોડધામ

અચાનક આગ ભભૂકી ઊઠતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડ્યા

MailVadodara.com - A-massive-fire-broke-out-in-a-garbage-dump-near-a-plywood-godown-near-Jambua-Bypass-causing-a-stir-in-the-system

- ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, સદ્દનસીબે જાનહાનિ ટળી

વડોદરા શહેરના જાંબુઆ બાયપાસ રોડ પર આવેલી એક ખુલ્લી કોચરની જગ્યામાં ગતરોજ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ પ્લાયવુડના એક મોટા ગોડાઉનની બિલકુલ નજીકમાં લાગેલી હોવાથી મોટી હોનારત સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેતાં તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે મોડી રાત્રે ગોડાઉન નજીક ભીષણ આગ 1 - image

જાંબુઆ બાયપાસ પાસે પ્લાયવુડના ગોડાઉનની બાજુમાં આવેલી ખુલ્લી કોચરની જગ્યામાં મોટા પ્રમાણમાં કચરો પડ્યો હતો. આ કચરાના ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. સૂકો કચરો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. આગ એટલી ભયાનક હતી કે બાજુમાં આવેલા પ્લાયવુડના ગોડાઉન સુધી લપેટો પહોંચવાની પૂરેપૂરી શક્યતા હતી, જેને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

આગની ઘટના અંગે કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર ફાઈટરોની ટીમ તમામ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ફાયર જવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ખુલ્લી જગ્યામાં પડેલા કચરામાં આગ કયા કારણોસર લાગી શોર્ટ સર્કિટ, સળગતી બીડી-સિગારેટ કે અન્ય કોઈ કારણ તે અંગે ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. ગોડાઉનની નજીક જ લાગેલી આગ સમયસર બુઝાઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી.

Share :

Leave a Comments