કારેલીબાગમાં મહિલા પેસેન્જર વૃદ્ધ રીક્ષાચાલકે પહેરેલી સોનાની ચેઈન આંચકી સાગરીત સાથે ફરાર

ગેંડા સર્કલ જવાના બહાને રિક્ષામાં બેસી ગુનાને અંજામ અપાયો

MailVadodara.com - woman-passenger-snatched-a-gold-chain-worn-by-an-elderly-rickshaw-driver-and-fled-with-it

- બાઇકસવાર સાગરીત સાથે મહિલા ઘટનાસ્થળેથી એલ એન્ડ ટી સર્કલ તરફ ફરાર થઈ ગઈ હતી

- પાછળ દોડેલા વૃદ્ધ રિક્ષાચાલકના હાથમાં માત્ર ઓઢણી જ આવી હતી

શહેરમાં સામાન્ય રીતે રીક્ષા ચાલક અને તેના સાગરીતો પેસેન્જર બનીને અન્ય પેસેન્જરના રોકડા રૂપિયા, સોનાના દાગીના કાઢી લેતા હોય છે. પરંતુ વીઆઈપી રોડ પર આવેલા વાઘેશ્વરી નાકા પાસે મહિલા પેસેન્જર વૃધ્ધ રીક્ષા ચાલકના ગળામાં પહેરેલી સોનાની ચેઈન આંચકી પોતાના સાગરીત સાથે બાઈક પર ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે રીક્ષા ચાલકે કારેલીબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

સોમા તળાવ સ્થિત પરમાર ફળિયામાં રહેતા 67 વર્ષિય છગનભાઈ વણકરે જણાવ્યું હતું કે, હું રીક્ષા ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવુ છું. 10 જૂનના રોજ બપોરે 3.30 વાગે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર જ્યારે હું ઉભો હતો ત્યારે એક અજાણી મહિલા આવીને ગેંડા સર્કલ તરફ જવાનું કહીને ભાડાની વાત કરી હતી. મે તેને અમીતનગર સર્કલ સુધી જ જવાનો છું તેમ જણાવ્યું હતું. પરંતું મહિલાએ સ્પેશીયલ રીક્ષા બાંધીને રૂા.100 ભાડુ નક્કી કર્યું હતું. હું મહિલાને રીક્ષામાં બેસાડીને બાપોદથી અમીતનગર સર્કલ પહોંચ્યો હતો. મહિલાએ કહ્યું કે મારી પાસે રોકડા રૂપીયા નથી આગળ મારા સંબંધી આવે છે તે તરફ રિક્ષા લઈ લો. તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ 3.45 વાગ્યે હું મારી રીક્ષા સાથે વાઘેશ્વરી નાકા પહોંચ્યો ત્યારે એક અજાણ્યો ઈસમ બાઈક લઈને આવ્યો હતો. પેસેન્જર મહિલાએ આ યુવકને ભાડુ આપવા જણાવતા તે દુકાનથી છુટા રૂપીયા લેવા ગયો હતો. મહિલા મારી રીક્ષામાંથી નીચે ઉતરીને અચાનક મારા ગળામાં પહેરેલી 10.500 ગ્રામ વજનની સોનાની ચેઈન જેમાં પેન્ડલ પણ હતું તે આંચકીને ભાગવા લાગી હતી. આ દરમિયાન બાઈક ચાલક પણ આવી ગયો હતો. મહિલા બાઈક પર બેસી ભાગી ગઈ હતી.

છગનભાઈ વણકરે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, તે મહિલાને પકડવાની કોશીશ કરતા તેનો દુપટ્ટો હાથમાં આવી ગયો હતો. જોકે બંને બાઈક પર એલ એન્ડ ટી સર્કલ તરફ ભાગી ગયા હતાં. ઘટનામાં કારેલીબાગ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે અને આરેપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.

Share :

Leave a Comments