તરસાલીમાં આઈટી ઓફિસરના બંધ મકાનમાંથી રૂા.1.93 લાખના દાગીના અને રોકડની ચોરી

પત્નીની તબિયતને કારણે દંપતી સાસરીમાં રોકાયું હતું, પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી

MailVadodara.com - Jewelry-and-cash-worth-Rs-1-93-lakh-stolen-from-an-IT-officers-locked-house-in-Tarsali

- સોના-ચાંદીના દાગીના અને રોકડ પર હાથફેરો, અજાણ્યા ચોરો સામે ગુનો નોંધાયો

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા આનંદબાગ સોસાયટીમાં આઇટી ઓફિસરના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રૂ.1.93 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પત્નીની તબિયત સારી ન હોવાથી દંપતી સાસરીમાં રોકાયો ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.

તરસાલી વિસ્તારમાં આવેલી આનંદબાગ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં આઈટી ઓફિસર તરીકે નોકરી કરતા રાહુલસિંહ વિક્રમસિંહ રાજપૂતે નોધાવેલી ફરિયાદ મુજબ, 28 જુલાઈની રાત્રે પત્ની જાનકીબેનની તબિયત નાદુરસ્ત હોવાથી બંને સસરાના ઘરે રોકાયા હતા. બીજા દિવસે સવારે આશરે 7 વાગ્યે ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો.

ઘરની અંદર તપાસ કરતાં બેઠકરૂમમાં સામાન વેરવિખેર હાલતમાં હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લોખંડની તિજોરી તથા તેના ડ્રોઅરના લોક તોડવામાં આવ્યા હતા. પ્રથમ માળે આવેલી બીજી તિજોરી પણ ખોલી તપાસવામાં આવી હતી, જોકે તેમાંથી કોઈ માલસામાનની ચોરી થઈ નહોતી.

તિજોરીમાંથી 37 ગ્રામ સોનાના દાગીના,150 ગ્રામ ચાંદીના દાગીના અને રૂ.15 હજારની રોકડ મળી રૂ.1.93 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments