વડોદરામાં ફીનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન સ્કીમના નામે રૂા.1.70 કરોડની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ

બોગસ લેટરપેડ અને પેમ્ફલેટથી વિશ્વાસ જીત્યો, સમા પોલીસમાં ગુનો નોંધાયો

MailVadodara.com - Complaint-filed-regarding-a-1-70-crore-fraud-in-Vadodara-involving-Fino-Payments-Banks-gold-loan-scheme

- મહિને 3થી 5 ટકા વળતરની લાલચ આપી હતી, અલગ-અલગ તારીખે રૂ.3.30 કરોડ પડાવી લીધા હતા

- 1.60 કરોડ જ પરત આપ્યા અને બાકીના 1.70 કરોડ પચાવી પાડ્યા

વડોદરમાં ફીનો પેમેન્ટ બેંકની સુવર્ણ ગોલ્ડ લોન સ્કીમ અને કેશ મેનેજમેન્ટમાં રોકાણ કરાવવાના નામે એક રોકાણકાર સાથે રૂ.1.70 કરોડથી વધુની મસમોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તબક્કાવાર કુલ રૂ.3.30 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જોકે, પાછળથી આરોપીઓએ રૂ.1.60 કરોડ પરત કર્યા હતા, પરંતુ બાકી નીકળતા રૂ.1.70 કરોડ તેમજ કોઈ વળતર કે નફો આપ્યા વગર છેતરપિંડી આચરતા સમા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી.

આ સમગ્ર કૌભાંડમાં કલ્પિત અશોકભાઈ સોની, સુરેન્દ્રકુમાર કિશોરલાલ શર્મા અને બિલાલ શાહીદઅહેમદ સૈયદ નામના શખ્સોએ ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. તેઓએ ફરિયાદીને સ્કીમમાં ઊંચું કમિશન અને નફો મેળવવાની લાલચ આપી હતી. આ માટે આરોપીઓએ ફીનો પેમેન્ટ બેંકના બનાવટી પૅમ્પ્લેટ, ચોપાનિયાં અને બેંકના બોગસ લેટરપેડને સાચા તરીકે રજૂ કરી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ-અલગ તારીખોમાં કુલ રૂ.3.30 કરોડ આરોપી કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી મેળવી લીધા હતા.

આ છેતરપિંડીમાં નવી મુંબઈ સ્થિત ફીનો પેમેન્ટ બેંકના જવાબદાર અધિકારીઓની પણ સંડોવણી સામે આવી છે. નવી મુંબઈ સ્થિત ફીનો પેમેન્ટ બેંકના 'કંપની સેક્રેટરી અને એવીપી લીગલ બસ્વરાજ લોની દ્વારા બેંકના લેટરહેડ પર વોલેટ એકાઉન્ટ ખોલવા માટે આઈસીઆઈસીઆઈ બેંકને પત્ર લખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બેંકના SDM હિમાંશુ મિશ્રાએ વોટ્સએપ વીડિયો કોન્ફરન્સ આઈસીઆઈસીઆઈ દ્વારા ફરિયાદી સાથે સંવાદ કરી સ્કીમની શરતો સમજાવી હતી અને માસિક 3થી 5 સુધીનું ખાતરીપૂર્વકનું વળતર મળશે તેવી પાકી બાંહેધરી આપી હતી.

આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા રૂ.3.30 કરોડમાંથી માત્ર રૂ. 1.60 કરોડ જ પરત આપ્યા હતા અને બાકીના રૂ. 1.70 કરોડ પચાવી પાડ્યા હતા. ફરિયાદીને રોકેલી મૂડી પર વચન મુજબનું કોઈ વળતર કે નફો આપવામાં આવ્યો નહોતો. આ ગુનામાં ફીનો પેમેન્ટ બેંકના કેટલાક જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓએ પણ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ આરોપીઓ સામે એકબીજાની મદદગારીથી કાવતરું રચી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments