- પોર, દેણા, ડબકા, માલસરમાં કાર્યવાહી, કોઝવે-નદીકાંઠે ન જવાની અપીલ
- નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ, બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અને માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, 31 જુલાઈના રોજ ગુજરાતના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. હાલમાં વિદર્ભ અને દક્ષિણ મધ્ય પ્રદેશ પર સક્રિય થયેલો મોનસૂન ટ્રફ સાંજ સુધીમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થવાનો હોવાથી, આજે સાંજે 5 વાગ્યાથી લઈને આગામી 24 કલાક દરમિયાન જિલ્લામાં ભારેથી અતિ ભારે તેમજ કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડાવાની પૂરતી શક્યતાઓ રહેલી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા 24 કલાક કાર્યરત રહે તેવા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તંત્રના તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે. દરેક તાલુકામાં અધિક કલેક્ટરની ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે બચાવ કામગીરી માટે NDRFની 3 ટીમો, SDRFની ટીમ તેમજ જરૂરિયાત મુજબ આર્મી અને એરફોર્સની મદદ લઈ શકાય તે રીતે તેમને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે પ્રસુતિની નજીકની તારીખ ધરાવતી સગર્ભા મહિલાઓનું શિફ્ટિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત પોર, દેણા, ડબકા અને માલસર જેવા નીચાણવાળા ગામોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં અને પ્લાન કરેલી મુસાફરીઓ ટાળવી. હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્ટેટ કે નેશનલ હાઈવે પર જવાનું ટાળવું. નર્મદા, ઢાઢર, વિશ્વામિત્રી, દેવ અને મહીસાગર નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોના લોકોએ પાણીના પ્રવાહ નજીક ન જવું અને જો પોતે જોખમી કે પાણી ભરાય તેવા વિસ્તારમાં રહેતા હોય તો તંત્રની રાહ જોયા વિના સ્વ-મેળે જ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જવું.
વધુમાં, ગ્રામ્ય વિસ્તારના લોકોએ સાંજના સમયે પશુઓને બાંધી રાખવાને બદલે ખુલ્લા રાખવા જેથી પશુહાની અટકાવી શકાય. વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર, છૂટા વાયર, જૂના કે વૃક્ષો અને જર્જરિત બિલ્ડિંગો નજીક ઊભા રહેવું નહીં. પાણી ભરાયેલા કોઝવે કે રસ્તા પરથી વાહન કે પગપાળા પસાર થવું નહીં. પાણી ભરાવાની શક્યતાવાળા વિસ્તારોના લોકોએ પીવાનું પાણી, ખાધસામગ્રી અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવો. કોઈપણ પ્રકારનો ગભરાટ ફેલાવ્યા વગર માત્ર માહિતી વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત સૂચનાઓનું જ અનુપાલન કરવું.


