- બે વખત પાંચ-પાંચ લીટર ચોરીની કબૂલાત, ડ્રાઇવર સંજય કહાર છેલ્લા છ મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોલર મશીનનો ડ્રાઇવર ડીઝલ ચોરી કરતા રંગેહાથે ઝડપાઇ ગયો છે. પોલીસે ડ્રાઇવર તથા અન્ય બે સહિત કુલ ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમને માહિતી મળી હતી કે, હરણી રોડ સવાદ ક્વાટર્સ વોર્ડ - ૪ ની ઓફિસના પાર્કિગમાં મૂકેલા કોર્પોરેશનના વાહનોમાંથી ડ્રાઇવર સંજય કહાર તેમજ તેના સાગરીતો ડીઝલની ચોરી કરે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કોર્પોરેશનના રોલર મશીનની ફ્યૂઅલ ટેન્કમાં પ્લાસ્ટિકની પાઇપ મૂકી કારબામાં ડીઝલ ભરવામાં આવી રહ્યું હતું. પોલીસે ડીઝલ ચોરી બંધ કરાવી હતી. સ્થળ પરથી ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં સંજય હિરાભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડિયુ, વાઘોડિયા રોડ), દિનેશ મણીલાલ કહાર (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) તથા ધર્મેશ દિનેશભાઇ ચુનારા (રહે. શીયાબાગ પોલીસ ચોકીની બાજુમાં, પોલો ગ્રાઉન્ડ, રાજમહેલ રોડ) છે. સંજય કહારે પોલીસને જણાવ્યું હતું કે, હું અલ્ટ્રા મોડલના કોન્ટ્રાક્ટમાં છેલ્લા છ મહિનાથી રોલર મશીન પર ડ્રાઇવર તરીકે નોકરી કરૃં છું. હું મારા બે મિત્રોને ડીઝલ ચોરીને કારબામાં આપું છું. અગાઇ બે વખત પાંચ - પાંચ લીટર ડીઝલની ચોરી કરી છે. એક લીટર ડીઝલ ૭૦ રૂપિયામાં તેઓને વેચાણ આપતો હતો. દિનેશ કહારે પોલીસને આવી કહ્યું હતું કે, ચોરીનું ડીઝલ હું મારા છકડા માટે ઉપયોગમાં લઉં છં. મારા મિત્ર ધર્મેશને હું મદદ માટે મારી સાથે લઇ જતો હતો.


